(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક સરકારી શાળાના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, પીએમ મોદીની ‘પરીક્ષા પર ચર્ચા’ દરમિયાન તેમને બહાર ઘોડાના તબેલામાં બેસવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઘટના કુલ્લુની ચેષ્ટા ગ્રામ પંચાયતની છે જ્યાં શાળાના સંચાલકે પોતાના ઘરમાં જ પીએમ મોદીની ચર્ચાનું પ્રસારણ દેખાડવાની વ્યવસ્થા કરી હતી. અહેવાલો અનુસાર શુક્રવારે સાંજે કુલ્લુના ડેપ્યટી કમિશનર પાસે કેટલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે, તેમને મેહરચંદ નામના શિક્ષકે એ ઓરડામાંથી બહાર જવા કહ્યું હતું જ્યાં ટીવી પ્રસારણ દેખાડવામાં આવતું હતું. દલિત વિદ્યાર્થીઓને બહાર ઘોડા રાખવાના સ્થાને બેસવા માટે કહેવાયું હતું. એટલું જ નહી તેમને ત્યાંજ બેસવાનું કહેવાયું અને જ્યાં સુધી કાર્યક્રમ પુરો ન થાય ત્યાં સુધી જગ્યા નહીં છોડવા પણ ધમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, તેમની સાથે શાળાના મધ્યાહન ભોજનમાં પણ જાતિગત ભેદભાવ રાખવામાં આવે છે. તેમણે એવું પણ કહ્યું કે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અલગ બેસવા માટે કહેવામાં આવે છે. પ્રિન્સિપાલ પણ આ અંગે કાંઇ કહેતા નથી અને અમારે અસ્પૃશ્યતાનો શિકાર બનવું પડે છે. આ ઘટના અંગે એક વડિયો સામે આવ્યા બાદ સ્થાનિક સંગઠન અનુસૂચિત જાતિ કલ્યાણ સંઘે શાળાના પ્રિન્સિપાલ રાજન ભારદ્વાજ અને કુલ્લુ શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જગદીશ પઠાનિયા સમક્ષ ફરિયાદ નોંધાવી છે. સંગઠનના એક સભ્યએ કહ્યંુ છે કે, મુખ્ય શિક્ષણ અધિકારી રાજન ભારદ્વાજે ઘટનાની પુષ્ટી કરી છે અને આશ્વાસન આપ્યું છે કે, ભવિષ્યમાં આવી ઘટના નહીં થાય.
પીએમ ‘મોદીની પરીક્ષા પે ચર્ચા’ સાંભળવા હિમાચલની શાળાના દલિત વિદ્યાર્થીઓને ઘોડાના તબેલામાં બેસવા કહેવાયું

Recent Comments