(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
કર્ણાટક ચૂટણી પહેલા અમિત શાહ રાજ્યમાં તાબડતોબ રેલીઓ યોજી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે લિંગાયત કાર્ડ રમીને ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે અને હવે હિંદી કન્નડ ટ્રાન્સલેટ કરનારા નેતાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણનો ખોટી રીતે અનુવાદ કરીને પાર્ટી માટે મોટી મુશ્કેલી ઉભી કરી છે.ભાજપના અધ્યક્ષ દેવનાગરીમાં એક રેલીને સંબોધિત કરી રહયા હતા જ્યાં તેમણે સિદ્ધરમૈયા સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, સિદ્ધરમૈયા સરકાર કર્ણાટક રાજ્યનો વિકાસ કરી શકતી નથી, તમે મોદીજી પર વિશ્વાસ કરીને યેદીયુરપ્પાને મત આપો, અમે કર્ણાટકનો દેશનું નંબર વન રાજ્ય બનાવીને દેખાડીશું. પરંતુ અમિત શાહના આ નિવેદનની જોરદાર મજાક ત્યારે બની જ્યારે ધારવાડથી ભાજપના સાંસદ પ્રહલાદ જોશીએ તેનું કન્નડમાં ખોટી રીતે અનુવાદ કરી નાખ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી ગરીબ, દલિત અને નબળા વર્ગો માટે કાંઇ જ નહીં કરે. તેઓ દેશને બરબાદ કરી દેશે, તમે તેમને મત આપો. ઉલ્લેખયનીય છે કે, આ પહેલા એક પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરવામાં એટલા મગ્ન થઇ ગયા હતા કે, ભૂતકાળમાં કર્ણાટકની સરકારમાં રહેલા યેદીયુરપ્પા સરકારને જ ઝપટમાં લઇ લીધી હતી અને યેદીયુરપ્પાને નંબરવન ભ્રષ્ટાચારી ગણાવી દીધા હતા જોકે, તે સમયે યેદીયુરપ્પા તેમની બાજુમાં જ બેઠા હતા.