(એજન્સી) રાજસ્થાન, તા.૭
રાજસ્થાનના ચિત્તોડગઢ નજીક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનને ગઈકાલે અકસ્માત નડ્યો હતો. તેઓ ઈનોવા કારમાં મુસાફરી કરી રહ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલી ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી હતી. ઈનોવા કારમાં બેઠેલા સાત લોકોમાંથી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૩ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ઈનોવા કારના ભૂક્કો બોલાઈ ગયો હતો. ચિત્તોડગઢના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સુરેશ ખટિકે જણાવ્યું કે, જશોદાબેન સ્વસ્થ છે. તેમની પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ચિત્તોડગઢની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ અકસ્માત ચિત્તોડગઢથી પપ કિ.મી. દૂર આવેલા કોટા-ચિત્તોડ હાઈવે પર સર્જાયો હતો. કારમાં સાત વ્યક્તિઓ સવાર હતા. તેમાંના બધા તેણીના સંબંધીઓ હોવાનું જણાય છે. તેમાંના એક વસંતભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તેણીના મહિલા સંબંધી વિમલા મોદી, જશોદાબેનની સાથે મુસાફરી કરી રહેલ બંદૂધકારી અને પાંચ વર્ષના બાળકને ઈજાઓ પહોંચી છે. પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું કે, ૪પ વર્ષીય બંદૂકધારી યતેન્દ્ર અને વિમલા મોદીને સારવાર અર્થે ઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર ગુજરાતના ઊંઝાના બરાનમાં આવેલા અત્રુ મુકામેથી આ પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. નિવૃત્ત શાળાના શિક્ષક જશોદાબેન કોટામાં એક પ્રસંગે હાજરી આપવા જઈ રહ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે ટ્‌વીટ કરી હતી કે, રાજસ્થાનના ચિત્તોડગઢ પાસે અકસ્માત સર્જાયો હોવાનું જાણીને ખૂબ જ દુઃખ થયું કે જેમાં જશોદાબેન અને અન્ય વ્યક્તિઓ ઘાયલ થયા હતા જ્યારે તેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઈજાગ્રસ્ત પરિજનોને ઈશ્વર પીડા સહન કરવાની શક્તિ આપે. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થઈ જાય.