(એજન્સી) લંડન, તા.૫
લંડન અને વિન્ડસરમાં કોમનવેલ્થ હેડ્‌સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગ (CHOGM)ની એપ્રિલમાં યોજાનારી બેઠક દરમિયાન બ્રિટન ભારતમાં ખ્રિસ્તીઓ અને સિખોની કથિત હેરાનગતિનો મુદ્દો ઉઠાવશે. બ્રિટનના સાંસદો દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓને પીએમ મોદી સમક્ષ મુકવામાં આવશે. ગયા અઠવાડિયે ધર્મ અથવા માન્યતાની આઝાદી પર વેસ્ટમિન્સટરના હાઉસ ઓફ કોમન્સહોલમાં એક લાંબી ચર્ચા દરમિયાન સાંસદોએ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અથવા અન્ય કોઇપણ દેશમાં લઘુમતીઓની સતામણીનો મુદ્દો ઉઠાવતા માગ કરી હતી કે, આની ચર્ચા કોમનવેલ્થ હેડ્‌સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં થવી જોઇએ. ભારતના વિદેશી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, મંત્રાલય કોઇપણ નિવેદન આપતા પહેલા આ ચર્ચાની વિગતો જોશે. સ્કોટિશ નેશનલ પાર્ટીના માર્ટિન ડોહર્ટી હ્યુજીસે જણાવ્યું કે,ભારતના જગતારસિંહને કોઇપણ આરોપ વિના પંજાબમાં હિરાસતમાં લેવામાં આવ્યા હતા અને બ્રિટનમાં વસતા સિખ સમુદાયના લોકો ચિંતિત છે કે, તેમને પણ કોઇપણ આરોપ વિના હિરાસતમાં લેવામાં આવી શકે છે. સિખ સમુદાયના ઘણા લોકોની ફક્ત એ માટે અટકાયત કરવામાં આવી છે કે, તેઓ તેમની ધાર્મિક માન્યતાને અપનાવે છે જે ચિંતાનો વિષય છે. ડોહર્ટી અને અન્ય સાંસદ ફેબિયન હેમિલ્ટને ખ્રિસ્તીઓની હેરાનગતિનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ભારતમાં ખ્રિસ્તીઓના મૂળિયા ઉખેડવાના પ્રયાસ ચાલી રહ્યા છે અને ટાંક્યું હતું કે, ખ્રિસ્તીવાદ માટે ભારત સૌથી ભયાનક દેશ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા એશિયા માટેના વિદેશ વિભાગના મંત્રી માર્ક ફિલ્ડે જણાવ્યું કે, મારા સાથી સભ્યોએ એવો મુદ્દો ઉઠાવ્યો છે જેના પર અમે ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ. તેમણે વડાપ્રધાન મોદી અને ભારતમાં ખ્રિસ્તીઓ અને સિખો અંગે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ટાંક્યા છે. અમે એપ્રિલમાં થનારી કોમનવેલ્થ પ્રમુખોની બેઠક દરમિયાન સારી રીતે આ મુદ્દાઓને ઉઠાવવાના પ્રયાસો કરીશું. સાંસદ ફેબિયન હેમિલ્ટને તાજેતરમાં ભારતના કેરળનો પ્રવાસ કર્યો હતો. તેમણે ખ્રિસ્તીઓની સતામણીનો આરોપ લગાવતા કહ્યું હતું કે, નિશ્ચિત રીતે આપણે પંજાબમાં સિખોની અવદશાને યાદ રાખવાની જરૂર છે. હેમિલ્ટને જણાવ્યું હતું કે, મને આશા છે કે, વિદેશ સચિવોની મંત્રણા થકી ભારતના વડાપ્રધાન મોદી અને તેમના સત્તાધિકારીઓ સમક્ષ આગામી એપ્રિલની બેઠકમાં આ મુદ્દો ઉઠાવાશે. વેપાર અને ઉદ્યોગ માટે થનારી આ બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લે તેવી શક્યતા છે.