(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને પહોંચી વળવા અને અર્થતંત્રને હાથ ધરવા અંગે ગુરૂવારે મોદી સરકાર સામે પ્રહારો કર્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સમસ્યાઓ કે મહત્વની બાબતો પર ધ્યાન નહીં આપવાનો આરોપ પણ મૂક્યો છે. તેમણે એવું પણ કહ્યું કે આપણે જે જોયું છે તે માત્ર સુનામીની શરૂઆત છે, આગળ જઇને પરિસ્થિતિ વધુ વણસશે. રાહુલ ગાંધીએ પીએમ મોદી સામે એવો પણ આરોપ મૂક્યો કે વડાપ્રધાન અર્થતંત્ર વિશે કશું જ બોલી રહ્યા નથી. જ્યારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અર્થતંત્ર સમજતા નથી. રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્રકારોને કહ્યું કે શેર બજારમાં શું થઇ રહ્યું છે, તે આપણે જોઇ શકીએ છીએ. મોદી સરકાર દ્વારા અર્થતંત્રને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે. કોરોના વાયરસ વિશે તેમણે એવું પણ કહ્યું કે કોરોના વાયરસ ગંભીર રીતે અર્થતંત્રને અસર કરી રહ્યો છે અને ખરેખર બહુ મોડું થઇ ગયું છે પરંતુ સરકારે નુકસાન ઘટાડવા માટે પગલાં ભરવા જોઇએ.