નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ગરીબો અને ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ ધરતીપુત્રોના આંદોલન વચ્ચે ઉત્તરપ્રદેશ ભાજપના નેતાનો દાવો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
આગામી ૨૫ ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે ચર્ચા કરશે, એવું જણાવતાં ભાજપે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ૨૫૦૦ સ્થળો પર પાર્ટી દ્વારા કિસાન સંવાદનું આયોજન કરવામાં આવશે. ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુંં હતું કે, આ કાર્યક્રમ માટે તેમણે પોતાની તૈયારીઓ તેજ બનાવી દીધી છે. ઉત્તરપ્રદેશ ભાજપના પ્રમુખ સ્વતંત્રતા દેવ સિંહ અને પાર્ટીના નેતા રાઘા મોહન સિંહે રાજ્યના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. રાઘા મોહન સિંહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ગરીબો અને ખેડૂતોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં પણ મોદી સરકાર દ્વારા આ વર્ગના કલ્યાણ માટે ઘણાં કામો કરવામાં આવ્યા હતા. ખેડૂતોની સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષ નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે.