(એજન્સી) નવી દિલ્હી, તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની ગંભીર બનતી સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે ૮મી એપ્રિલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જીવલેણ વાયરસના ફેલાવા અને આકરા લોકડાઉનની જાહેરાત કર્યાના દિવસો બાદ આ અંગે વડાપ્રધાન મોદીની આ સર્વપક્ષીય પ્રથમ બેઠક હશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીના પત્રમાં કહેવાયું છે કે, બેઠકમાં ભાગ લેવા માટે સંસદમાં પાંચથી વધુ સભ્યો ધરાવતા પાર્ટીના ફ્લોર લીડરો બેઠકમાં ભાગ લઇ શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને અને પ્રવાસ અંકુશોને જોતાં આ બહુપ્રતિક્ષિત બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાશે. દેશના અર્થતંત્રને માઠી અસર પહોંચાડનારા અને સમાજના લોકોમાં મોટી અસર કરનારા આ રોગચાળા અંગે ઘણી પાર્ટીઓ વડાપ્રધાન મોદીને સર્વપક્ષીય બેઠક બોલાવવા અંગે લાંબા સમયથી માગણી કરી રહી હતી. સરકારી અધિકારીએ કહ્યું કે બેઠકમાં જીવલેણ વાયરસ સામે લડવામાં આગામી પગલાં અંગે વડાપ્રધાન વિવિધ પાર્ટીઓ પાસેથી સૂચનો માગશે. આ બેઠક સવારે ૧૧ વાગે શરૂ થશે જેમાં તેની શરૂઆત મોદી કરશે અને સરકારે કયા પગલાં લીધા તેની વિગતો અપાશે. અન્ય અધિકારી અનુસાર કોરોના વાયરસ સામે ભારતની લડત અંગે વિશાળ રાજકીય સર્વસંમતિ વિકસાવવાની આ બેઠકમાં મોટી તક છે. મોદી ઉપરાંત આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્યસભાના નેતા થાવરચંદ ગેહલોત પણ હાજર રહે તેવી આશા છે.

ન્યુઝ પોઈન્ટ

લ્યો વળી ૮ તારીખ આવી ગઈ ! મોટા કે અગત્યના નિર્ણય સાહેબ ૮ તારીખે અથવા ૮ વાગે લેતા હોય છે કારણ કે તેમની જન્મ તારીખ ૧૭ એટલે ૧ + ૭ = ૮ છે. ર૦૧૪માં લોકસભાનું રિઝલ્ટ ૧૬મી મેના રોજ બહાર પડેલ પરંતુ સરકાર છેક ર૬મી મે ર૦૧૪ના રોજ બનાવી ! નોટબંધી ૮મી નવેમ્બર ર૦૧૬ના રોજ રાત્રે ૮ વાગે જાહેર થઈ જે અગત્યનો નિર્ણય હતો અને જો લોકોએ સહન ન કર્યું હોત તો ફ્લોપ થઈ જાત તેમજ ર૬મી ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ બાલાકોટ સ્ટ્રાઈક કરી એક મોટી જીત પાકિસ્તાન સામે મેળવી જેના ર મહિના બાદ લોકસભાની ચૂંટણીમાંયે જીત મેળવી. હવે ૮મી એપ્રિલના દિવસે આ ‘ઈમરજન્સી’ થોડા દિવસ લંબાવી દે તો લોકો ક્યાં સુધી સહન કરશે ? જે હોય તે પણ એક વાત તો નક્કી કોઈ અગત્યનો નિર્ણય જરૂર જોવા મળશે !