માંગરોળ, તા.૨૦
માંગરોળ પોલીસના નવનિયુક્ત પીએસઆઇ આર.જે. રામે આવતાની સાથે બે મોટા માથાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરતા ગુનાહિત તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. માંગરોળ પોલીસમાં પીએસઆઇનો ચાર્જ સંભાળવાના એક અઠવાડિયામાં જ ગતરાત્રે પીએસઆઇ રામે માંગરોળ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પાલિકાના બે સદસ્યોની પિધેલી હાલતમાં અટકાયત કરી ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે.
માંગરોળમાં મંગળવારે મોડી રાત્રીએ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી શંકાના આધારે પીધેલ હાલતમાં માંગરોળ પોલીસના પીએસઆઇ આર.જે. રામે ચાર સખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં સુલેમાન એમ. પટેલ, આહમદ ભાટા, યુસુફ ગરેડી અને હેમંત ભોઈ નામના ચાર શખ્સોને બસ સ્ટેન્ડ પાસેના શાપુર રોડ પાસે આવેલ એક બેકરી પાસેથી પોલીસે અટક કરી માંગરોળ પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા આ ચારેય શખ્સો નશો કરેલ હોવાનું જાણવાં મળેલ. મદીરાપાન કરેલ આ ચારેય શખ્સો માના પૈકી સુલેમાન એમ. પટેલ અને આહમદ ભાટા માંગરોળ પાલિકા વોર્ડ નંબર ૯ના કોંગ્રેસના સદસ્યો ઉપરાંત સુલેમાન પટેલ માંગરોળ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદ પણ ભોગવી રહ્યા છે. પોલીસે આ ચારેય સખ્સો સામે પોલીસ પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.