(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પી.ડી.પી.યુ.)ના સોલાર રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ત્રિદિવસીય નેનો મટિરિયલ્સ ફોર એનર્જી કન્ઝર્વેશન એન્ડ સ્ટોરેજ એપ્લીકેશન અંગેના આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
પરિસંવાદને ખુલ્લી મૂકીને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટીએ જણાવ્યું હતું કે, સંભવિત નવીનિકરણ ઉર્જાક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધનો અને સંગ્રહ કરવાના નવીન સંશોધનો અંગે વિચારોની આપ-લે કરવા માટે આ પરિસંવાદ સેતુ રૂપ બની રહેશે. પીડીપીયુના સૌર સંશાધન વિકાસ કેન્દ્રનું ઉમદા ભવિષ્ય અને આ પરિસંવાદના સૂચારૂં આયોજન માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
યુ.એસ.એ.ની કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રો. વિજય મોદીએ જણાવ્યું હતું કે, મારી પાસે નેનો મટિરિયલ્સ અંગેનું કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી, પણ નેનો મટિરિયલ્સની મહત્ત્વતા સોલર ઉર્જાના ઉત્પાદનમાં વધતી જાય છે ત્યારે આ દિશામાં સંશોધન અને નવીન શોધોની આપ-લે કરવા માટે આ પરિસંવાદ મહત્ત્વની ભૂમિકા અદા કરશે. તેઓએ જણાવ્યું હતું કે, આપણા કૃષિપ્રધાન દેશમાં કૃષિ પેદાશના ઉત્પાદન વધારવા માટે પાકને નિયમિત પાણી આપવા વીજળીની જરૂરિયાત વધુમાં વધુ રહે છે, ત્યારે વીજળીની માંગને પહોંચી વળવા માટે સોલાર ઉર્જા એ મહત્ત્વનો ભાગ બની રહેશે. તેમજ વીજળીનું ઉત્પાદન વધતાની સાથે સાથે આપણે એલપીજી ગેસ પર રસોઈ બનાવવાની જગ્યાએ વીજ સગડી પર રસોઈ બનાવાની દિશા સુધી પહોંચવા પ્રયત્નશીલ થવું પડશે.
યુનિ.ના ડાયરેક્ટર જનરલ ટી.કિશનકુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, સૂર્ય એ ઉર્જાનો મોટો સ્ત્રોત છે. સોલાર ઉર્જાના ઉત્પાદન થકી પ્રદૂષણની માત્રા તો ઘટશે અને સાથે સાથે દેશમાં ક્રૂડ ઓઈલને આયાતની માત્રા પણ ઘટશે. સોલાર ઉર્જાનું ઉત્પાદન કેમ વધે તેમજ તેનો સંગ્રહ કરવાની ક્ષમતા કેમ વધે તે દિશામાં આગળ વધવું હવે જરૂરી બની ગયું છે. પીડીપીયુમાં સોલાર ઉર્જાનું એક મેગા વોટ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે.