(એજન્સી) મુંબઇ, તા. ૩૦
પીઢ અભિનેતા અને કપૂર પરિવારના અભિનય વંશજ ઋષિ કપૂરનું ગુરૂવારે કેન્સર સામે લાંબી લડાઇ બાદ નિધન થયું છે. તેઓ ૬૭ વર્ષના હતા. તેમની તબીયત સારી ન હોવાના કારણે મુંબઇની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ગુરૂવારે તેમનુ નિધન થયું હતું. છેલ્લા બે વર્ષથી તેઓ કેન્સરની સામે જંગ લડી રહ્યા હતા. ઋષિ કપૂરને મુંબઇના ચંદનવાડી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. અહીં તેમને ઓછી સંખ્યામાં હાજર રહેલા પરિવારજનો અને મિત્રોએ અંતિમ વિદાય આપી હતી. અભિનેતાના નિધન બાદ અમિતાભ બચ્ચન સહિતના બોલિવૂડના લગભગ તમામ કલાકારોએ શોક સંદેશ પ્રગટ કર્યા હતા. અમિતાભ બચ્ચને લખ્યું કે, તેમના નિધનથી હું ભાંગી પડ્યો છું. ઋષિ કપૂર કેન્સરની સારવાર લઇ રહ્યા હતા અને તેઓ સારવાર માટે ૨૦૧૮ અને ત્યારબાદ એમ બે વખત ન્યૂયોર્ક ગયા હતા. તેઓ લગભગ એક વર્ષ સારવાર લીધા બાદ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત આવ્યા હતા. ફેબ્રુઆરીમાં તબીયત સારી ન હોવાથી તેઓ બે વખત હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ભારત આવ્યા બાદ પ્રથમવાર તેઓ પરિવારના એક કાર્યક્રમમાં બીમાર પડતા દિલ્હીમાં દાખલ કરાયા હતા ત્યારે કપૂરે કહ્યું હતું કે, તેઓને ઇન્ફેક્શન થયું છે. તેઓ મુંબઇ આવ્યા બાદ ફરીથી વાઇરલ ફીવરને કારણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.બાદમાં તેમને વહેલી તકે રજા આપી દેવાઇ હતી. હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા કપૂરે બીજી એપ્રિલ બાદ કોઇ પોસ્ટ મુકી ન હતી. લિજેન્ડરી એક્ટર રાજ કપૂર ઉર્ફે ક્રિશ્ના કપૂરના પુત્ર ઋષિએ ૩ વર્ષની ઉંમરમાં શ્રી ૪૨૦ ફિલ્મમાં પ્રથમવાર ભૂમિકા ભજવી હતી. તેઓ મેરા નામ જોકરમાં સત્તાવાર રીતે કામ કર્યું હતું. અંતે તેઓ હીરો તરીકે બોબી ફિલ્મમાં ધૂમ મચાવી હતી. તેમના પરિવારે નિવેદનમાં જણાવ્યું કે, અમારા પ્રિય ઋષિ કપૂર સવારે ૮.૪૫ વાગે હોસ્પિટલમાં શાંતિપૂર્ણ નિધન પામ્યા છે. તેમણે બે વર્ષ લ્યુકેમિયાની સારવાર લીધી. ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફે કહ્યું કે, છેલ્લા શ્વાસ સુધી તેઓ મનોરંજન પૂરૂં પાડતા રહ્યા. સમગ્ર વિશ્વમાં તેમના પ્રશંસકોએ તેમના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો છે. તેમના નિધન પછી બધા સમજી શકે છે કે, તેઓને હંમેશા હસતા ચહેરા તરીકે યાદ રહેશે પરંતુ રડમસ તરીકે યાદ રખાશે નહીં. તેમના પરિવારે કહ્યું કે, અમને અંગત રીતે પણ તેમની ખોટ સાલશે. આ સમય વિશ્વમાં તેમના ચાહકો માટે પણ મુશ્કેલીભર્યો હશે. હાલના સમયમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે અને અવર જવર પર પણ અંકુશ છે. અમે તેમના તમામ ચાહકો અને શુભેચ્છકો તથા મિત્રોને વિનંતી કરીએ છીએ કે, તેઓ કાયદાનું પાલન કરે અને તે પ્રમાણે વર્તન રાખે.