મોસાલી, તા.૧૧
સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે દિવસેને દિવસે કથરી રહ્યા હોય એવું બની રહેલ ઘટના પરથી લાગી રહ્યું છે. હાલ એક સપ્તાહ પહેલાં જ કામરેજ ઉભેળ ખાતેથી યુવાનની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો અને કામરેજ પોલીસે હત્યાના ગુનાનો ભેદ પણ નાખ્યો છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરત જિલ્લામાં પ્રકાશમાં આવી છે.
આજરોજ સવારના સમયે પીપોદરા જી.આઈ.ડી.સી.માં બંસરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ લક્ષ્મી લાઈટ ડેકોરેશન નામના ગોડાઉન સામેથી એક આશરે ૨૫થી ૩૦ વર્ષના યુવાનનો કરપીણ રીતે હત્યા કરાયેલી મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ પથ્થરથી માથું છૂંદી નાખી યુવાનની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ શરૂ કરી હતી. મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હોઈ પોલીસ પણ વિચારમાં મૂકાઈ ગઈ હતી. પોલીસ હાલ આજુબાજુની કંપનીઓના સી.સી.ટી.વી. ચેક કરી વધુ તપાસ કરી રહી છે.