(સંવાદદાતા દ્વારા)
ધોળકા,તા.૧૪
અમદાવાદ એસટી ડિવિઝન હેઠળના ધોળકા એસટી સ્ટેન્ડમાં અપૂરતી સુવિધાના કારણે મુસાફરો અને એસટીના કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા ટાઉનમાં એસટી તંત્ર દ્વારા નવું બસ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું છે પરંતુ આ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધા માટે એક પણ સિલિંગ ફેન (પંખો) ફિટ કરવામાં આવેલ નથી. જેથી બાંકડે બેસી બસની રાહ જોતા મુસાફરોને ગરમી સહન કરવી પડે છે. આ ઉપરાંત ધોળકા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોની સુવિધા માટે પીવાના પાણીની પરબ બનાવવમાં આવી છે. પરંતુ તેની નિયમિત સાફ સફાઈ ના થતી હોવાનું મુસાફરોમાં ચર્ચાય છે. ઘણી વખત પરબમાં પાણી નથી હોતું. આથી મુસાફરો અને એસટીના કર્મચારીઓને પાણી પીવા બસ સ્ટેન્ડની બહાર હોટલમાં જવું પડે છે.ગત રવિવારે સાંજે પરબમાં પાણી નોહતું.આથી મુસાફરો અને રાત્રી ફરજ પરના એસટી કર્મચારીઓને હાલાકી વેઠવી પડી હતી.આ બાબતની અમદાવાદ એસટી વિભાગીય નિયામક અને ધોળકા એસટી ડેપો મેનેજર ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી મુસાફરોની લાગણી અને માગણી છે.