અમદાવાદ, તા.૩

સરદારનગર વિસ્તારમાં દારૂની રેલમછેલ માટે લવાતા દારૂના જથ્થા સાથે એક શખ્સની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (ઁઝ્રમ્)એ ધરપકડ કરી છે. PCB ટીમે રાજકોટ પાસિંગની કારનો ફિલ્મી ઢબે પીછો કરી રોકી હતી. દારૂ ભરેલી કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ એક શખ્સને ઝડપી લેવાયો હતો. રાજસ્થાનથી દારૂ ભરીને સરદારનગરમાં વેચવા માટે લાવવામાં આવતો હતો.

PCB ટીમને બાતમી મળી હતી કે રાજકોટ પાસિંગની  કારમાં દારૂનો જથ્થો રાજસ્થાન લાવવામાં આવી રહ્યો છે. જેથી દહેગામ રિંગ રોડ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમીવાળી કાર આવતા કાર રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. જો કે કારચાલકે કાર રોકી ન હતી PCB ટીમે કારનો પીછો કર્યો હતો. પોલીસે કારને ઝડપી પાડી હતી પરંતુ કારચાલક ભાગી ગયો હતો. અશોક ઉર્ફે ધનધન મૌર્ય (રહે. સરદારનગર)ને ઝડપી લીધો હતો. કારમાંથી ૧૩૪૪ નંગ દારૂના ક્વાર્ટર રૂ. ૧.૫૪ લાખના, ૨૪૦ બિયરની બોટલ મળી આવી હતી. રાજસ્થાનના ભરત ઉર્ફે લંગડો ડાંગી, શકાજી, શૈલેષ જૈન, માનસિંગ મીણા પાસેથી દારૂનો જથ્થો લાવી અને સરદારનગર  કોલોનીમાં રહેતા સુધીર તમંચેએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ સહિત ૬.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.