(સંવાદદાતા દ્વારા)

પ્રાંતિજ, તા.૨૮

પ્રાંતિજ ખાતે દેસાઇની પોળમાં કોરોના પોઝિટિવ કેસ આવતા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જેની આજે પી.આઈ.એ મુલાકાત લીધી હતી. તો સાથે-સાથે ગુર્જરની પોળમાં હજારો ચામાચીડીયાઓ વચ્ચે રહેતી  દિંવ્યાગ મહિલાની પણ મુલાકાત લીધી હતી.

હાલ સાબરકાંઠા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. તેમાં પણ પ્રાંતિજ તાલુકો કોરોના પોઝિટિવ કેસોમાં જિલ્લામાં બીજા સ્થાને તો મૃત્યુદરમાં પ્રથમ સ્થાને છે. તંત્રએ તેને ગંભીરતાથી લીધેલ હોય તેમ લાગતું નથી. ત્યારે તાજેતરમાં ઇડરથી બદલી થઈને પ્રાંતિજ આવેલા નવા પી.આઇ.  પી.એલ. વાઘેલાએ સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર કરવામાં આવેલ કન્ટેન્ટમેન્ટ ઝોન દેસાઈની પોળની મુલાકાત લીધી હતી અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા રહીશો સાથે વાતચીત કરી હતી. તો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો તથા પોલીસ કર્મીઓને સૂચનાઓ આપી હતી અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તિ બહાર ના આવે અને તેમને  જોઈતી દરેક ચીજવસ્તુઓ સુવિધાઓ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ પુરી પાડવામાં આવે. જેથી સંક્રમણ ઓછું થશે. એમ જણાવ્યું હતું. તો પ્રાંતિજ પી.આઇ. વાઘેલાએ ગુર્જરની પોળમાં હજારો ચામાચીડિયાઓ વચ્ચે રહેતા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાની તેમના ઘરે જઇને મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે બીપીન સોની, હાર્દિક બ્રહ્મભટ્ટ હાજર હતા.