(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ધરાવતું શહેર છે જ્યાં દિનપ્રતિદિન પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તેનું મુખ્ય કારણ મ્યુનિ. તંત્ર દ્વારા સેમ્પલ લેવાની કામગીરી વધારવામાં આવી છે તે એકસાથે સેમ્પલ લેવા માટે મેડિકલ કોલેજોના પી.જી. ડૉક્ટરોની સેવા લેવામાં આવી છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, કેટલાક ડૉક્ટરોને તો સુરક્ષા માટેની પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ આપ્યા વિના નમૂના લેવાની કામગીરી સોંપવામાં આવતાં આવા ડૉક્ટરો સામે પણ જોખમ ઊભું થયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને હરતા-ફરતા બોમ્બને શોધી કાવા કન્ટેન્મેન્ટ હોટસ્પોટ વિસ્તારમાંથી લોકોના ગળા અને નાકમાંથી નમૂના લેવાની કામગીરી વધારવામાં આવી છે. આ માટે એનએચએલ, એસવીપી અને શારદાબેન હોસ્પિટલના પી.જી. મેડિકલ વિદ્યાર્થીઓની સેવા લેવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ તેમને માથાના વાળથી પગ સુધી આખું શરીર ઢંકાઈ જાય તેવી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ (પી.પી.ઇ.) આપવાની રહે છે. પરંતુ જાણવા મળ્યા મુજબ એનએચએલ, એસવીપીના ડૉક્ટરોને પી.પી.ઇ. કિટ આપવામાં આવે છે. પરંતુ શારદાબેન હોસ્પિટલના ડૉક્ટરોને એચઆઈવી તપાસની સાદી કિટ જે પાછળથી ખુલ્લી હોય છે તે આપી ડૉક્ટરોના જીવન સાથે ચેડાં કરવામાં આવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. રખિયાલના એક અગ્રણીના જણાવ્યા મુજબ અમારે ત્યાં આરોગ્યની ટીમ નમૂના લેવા આવી ત્યારે મેં એક ડૉક્ટરને અનાયાસે તેમની સુરક્ષા અંગે પ્રશ્ન કર્યો તો તેમણે જણાવ્યું કે, અમે મ્યુનિ. તંત્ર પાસે પાંચ-છ દિવસથી પી.પી.ઇ. કિટ માટે માંગ કરી છે. પરંતુ હજી સુધી અમને આપવામાં આવી નથી અમે હાલ માત્ર કેપ, ગોગલ્સ અને એચઆઈવી દર્દીને તપાસવામાં આવે છે તે કિટ અને મોજા એટલું આપી ઉપકાર કરવામાં આવ્યો છે. ખરેખર તો અમે દર્દીના સીધા સંપર્કમાં આવતા હોવાથી સંપૂર્ણ સુરક્ષા મળી રહે તેવી પી.પી.ઇ. કિટ આપવી જોઈએ. આનાથી તો અમારા માટે તો જોખમ રહેલું જ છે પરંતુ અમારા પરિવાર અને અમારી સોસાયટી માટે પણ જોખમ ઊભું થાય તેમ છે છતાં અમે સેવા ભાવનાથી આ કામગીરી બજાવી રહ્યા છે. આથી આ કિટ નહીં આપવાથી માત્ર અમારું જ નહીં અમારા સંપર્કમાં આવનાર તમામ માટે જોખમ ઊભું થઈ શકે છે. આથી તંત્રએ વહેલીતકે પી.પી.ઇ. કિટ વ્યવસ્થા કરવી જોઈએ.

ગળા અને નાકમાંથી નમૂના લેવા એ ડૉક્ટરો માટે ખૂબ જોખમરૂપ

કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવા નાક અને ગળામાંથી નમૂના લેવાની કામગીરી કરતાં ડૉક્ટરો સીધા સંપર્કમાં હોય છે. કેટલાક કિસ્સામાં નાકમાં નમૂના લેવા કોટનવાળી સળી નાંખવાથી સામે વાળી વ્યક્તિને છીંક આવતી હોય છે તો ગળામાંથી નમૂના લેતી વખતે કેટલાક કિસ્સામાં લોકો ઉલ્ટી પણ કરી દેતા હોય છે. આથી જો આવામાં કોઈ કોરોના પોઝિટિવ લક્ષણો ધરાવતો દર્દી હોય તો અન્યોને ચેપ લાગવાનું પૂરેપૂરું જોખમ રહેલું છે તેમ છતાં આટલી મહેનત કરતું તંત્ર આટલી ગંભીર બેદરકારી કઈ રીતે દાખવી શકે તે સમજાતું નથી.