(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
પુણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ યુવક મનીષમેરે તેણીને અવાર-નવાર મોબાઇલ ફોન પર હેરાન પરેશાન કરી પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. કેટલીકવાર પરિણીતાએ ફોન ન કરવાનું પણ કહ્યું હતું. તેમ છતાં મનિષ મેર ફોન કરી પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યા કરતો હતો. યુવકનો સાગરિત શનિ પ્રજાપતિ તા.૨૦મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને મનિષ મેર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરશે તો તારા પતિને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને તે ભાગી ગયો હતો. જેથી મનિષ મેર અને તેના સાગરિત શનિની વધતી દાદાગીરી સામે પરિણીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.