(એજન્સી) પુણે, તા. ૩
પુણેના ચકન વિસ્તારમાં મંગળવારે એક નધિયાણી કારમાં પાંચ વર્ષીય બાળકનું શબ મળી આવ્યું. શબના માથા, ચહેરા અને ગર્દનના ભાગે ઈજાના નિશાન મળી આવ્યાં હતા. પોલીસના જણાવ્યાનુસાર, શ્વાસ ગૂંગળામણને કારણે બાળકનું મોત થયું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, કરણ પાન્ડે નામનું બાળક મિત્રો સાથે પડોશમાં રમવા ગયો હતો. આકરો તડકો લાગતાં તેણે બિનવારસીમા કારમાં બેઠો હતો. કરણ અકસ્માતે કારમાં ફસાયો હોવાનું પોલીસનુ માનવું છે. પોલીસ અને પરિવારજનોની છ કલાકની શોધખોળ બાદ તેનું શબ હાથ લાગ્યું હતું. પોલીસ અધિકારી પ્રતિમા નાવલેએ કહ્યું કે ઉપલબ્ધ વિગતો પ્રમાણે કાર અકસ્માતે લોક થઈ ગઈ અને તેને કારણે કરણ બહાર ન આવી શક્યો. તે લગભગ છ કલાક સુધી કારમાં ફસાયેલી હાલતમાં રહ્યો અને અંતે ગૂંગળામણને કારણે તેનું મોત થયું. પોલીસ બિનવારસી કાર માલિકની જાણકારી મેળવી શકી નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.