(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૬
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના એકના એક પુત્રએ આપઘાત કરી લેતા ઘરનો આશાનો દીપક ઓલવાઈ ગયો પરંતુ આ શ્રમજીવી પરિવારે દિકરો ભલે દુનિયા છોડી ગયો પણ તેની આંખો દાન કરીને અન્યની દુનિયામાં અજવાળું પાથર્યું છે. ત્યારે એક શ્રમજીવી પરિવારે નેત્રદાનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી શેઠ કોઠાવાળા વોરાની ચાલીમાં રહેતા એક શ્રમજીવી પરિવારના દિકરા અનિલ કરશનભાઈ ચાવડા (ઉ.વ.ર૪)એ તા.૧પ જાન્યુઆરીએ સાંજે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. જો કે અનિલ નાનો હતો ત્યારે જ તેના પિતાનું મૃત્યુ થયું હતું. એટલે અભણ માતા ઉષાબેન કડિયા કામ કરીને દિકરા અનિલ અને દીકરી દક્ષાને ભણાવ્યા હતા. જેના લીધે અનિલ ધો.૧ર સુધી અભ્યાસ કર્યો હતો તેમજ તેની બહેન દક્ષા હાલ એમ.કોમ કરી રહી છે. ત્યારે વાસી ઉતરાયણના દિવસે માતા અને બહેન સંબંધીના ઘરે ગયા ત્યારે જ ર૪ વર્ષીય અનિલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પરંતુ આવી કપરી અને કરૂણ પરિસ્થિતિમાં પણ માતા ઉષાબેને દિકરો દુનિયામાં ના રહ્યો તો કંઈ નહીં પણ તેની આંખોથી કોઈને નવું જીવનદાન મળતું હોય તો મેં તેની આંખો દાન કરવાનું નક્કી કર્યું. આ અંગે મૃતક અનિલની બહેન દક્ષાએ જણાવ્યું હતું કે મારા ભાઈએ આપઘાત કર્યો તે આઘાત સહન થઈ શકે તેમ નથી. પરંતુ મારી માતાએ મારા ભાઈની આંખોનું દાન કરવાનો નિર્ણય કરીને બીજાના જીવનમાં રોશની આપવાનું કામ કર્યું છે. જયભીમ જ્યોત ફાઉન્ડેશને જ મારી માતાને નેત્રદાન કરવા માટે પ્રેરણા આપી હતી તો મૃતક અનિલના પિતરાઈ ભાઈ રવિ ચાવડાએ જણાવ્યું હતું કે અમારા ગોમતીપુર વિસ્તારમાં બેરોજગારી વધુ છે તેમજ મારો ભાઈ છૂટક મજૂરી કરતો હતો તેને કાયમી નોકરી ન હતી એટલે બેરોજગારીએ જ મારા ભાઈનો જીવ લીધો છે ત્યારે સરકારે ગોમતીપુર વિસ્તારમાં વધી રહેલા દારૂ-જુગારના દૂષણને નાબૂદ કરીને બેરોજગારી મુદ્દે કામ કરવું જોઈએ.