સુરત,તા.૧૧
પુત્રની સ્કુલની ફી અને બાઈકના હપ્તા ભરવામાં આર્થિક સંકડામણને કારણે ભીંસ અનુભવતા અડાજણના યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના અન્ય એક બનાવમાં કતારગામમાં પણ રત્નકલાકારની પત્નીએ આર્થિક સંકડામણથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
અડાજણ મહાદેવ નગર ખાતે રહેતા ધનસૂખભાઈ રવજીભાઈ રાઠોડ(૩૫) ઓટો વર્કશોપમાં ગાડી વોશ કરવાનું કામ કરતા હતા. તેમની પત્ની પણ તેમને પરિવારના ગુજરાનમાં મદદરૂપ થવા માટે ઘરકામ કરવા જતા હતા. જોકે, તેમ છતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ અનુભવતા હતા. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. તેમનો પુત્ર અડાજણની દાળિયા સ્કૂલમાં ધોરણ ૨માં અભ્યાસ કરે છે. તેની ફી ભરવામાં તેમજ બાઈકના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી પડતી હતી.પતિ પત્ની વચ્ચે પુત્રની ફી ભરવા બાબતે અને બાઈકનો હપ્તો ભરવા બાબતે વાતચીત પણ થઈ હતી. જોકે, ધનસૂખભાઈએ પુત્રની ફી અને બાઈકના હપ્તાની ચીંતામાં પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં આર્થિક સંકડામણના કારણે તેમણે આપઘાતનું પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે અડાજણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રની ફી અને બાઈકના હપ્તાની ચિંતામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત

Recent Comments