(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૨
સુરત રેલવે સ્ટેશન ઉપર અચાનક બેભાન થઇ ગયેલા ઉધના પોલીસ મથકના ડી-સ્ટાફના પોલીસ કર્મચારીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના વિસ્તારમાં આવેલા આશાનગરમાં રહેતા ફરશરામભાઈ મનસુખભાઈ રાણા (ઉ.વ.૪૯)નાઓ આજે સવારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પાસે અચાનક ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. ઘટનાના પગલે ત્યાં કેટલાક મુસાફરો ભેગા થઈ ગયા હતા ત્યાર બાદ તેમણે ૧૦૮ એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેમણે મરણ જાહેર કર્યા હતા. વધુમાં જાણવા મળ્યું હતું કે, ફરશરામભાઈ રાણા ઉધના પોલીસ મથકમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતા હતા તેમની પુત્રી કોઈ કામ અર્થે કચ્છ ગયા હતા. આજે સવારે તેઓ પરત આવવાના હતા તેની તેઓ પુત્રીને લેવા માટે સુરત સ્ટેશન પર ગયા હતા. પુત્રીને લઈને બહાર આવતા હતા ત્યારે ત્યાં જ ઢળી પડયા હતા. ઘટનાના પગલે તેમના પરિવારમાં શોક છવાઈ ગયો હતો તેમજ આ અંગે ખબર પડતા ઉધના પોલીસ મથકના પીઆઈ જાધવ તથા એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથ સ્ટાફના માણસો સ્મીમેર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.