(એજન્સી) લખનૌ, તા.૧૪
સત્તાનો નશો કેવો હોય તે અંગેનું પ્રદર્શન કરતો અન્ય એક વીડિયો ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યો. મથુરાની બળદેવ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પૂરન પ્રકાશના પુત્ર અને તેમના સમર્થકોએ ૧૩ ફેબ્રુઆરીના રોજ મથુરાની પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા-ર પર મધુવન પાસે આવેલા ટોલ પ્લાઝાના કર્મીઓ સાથે માત્ર ગેરવર્તણૂક જ નથી કરવામાં આવી પરંતુ તેમની સાથે મારઝૂડ પણ કરવામાં આવી છે જે સમયે આ બધુ જ થઈ રહ્યું હતું ત્યારે ભાજપના ધારાસભ્ય પૂરન પ્રકાશ પણ ત્યાં હાજર હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જ્યારે ધારાસભ્યને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ લોકો હંમેશા ખોટું કરે છે. તેમની ગાડીની આગળ તેમની સિકયોરિટીની ગાડી નીકળી હતી પરંતુ જેવી જ તેમની કાર આવી તો ટોલકર્મીએ બેરિકેડ્‌સ પાડી દીધું જે તેમની કાર પર અથડાયું. ટોલકર્મીઓએ જોયું કે તેમની ગાડી પર મોટા અક્ષરોમાં ‘ધારાસભ્ય’ લખાયેલું છે. તેમ છતાંય આ લોકોએ બેરિકેડ્‌સ પાડી દીધું. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, ટોલનાકા પરથી ઝડપથી ધારાસભ્યની ગાડી પસાર થઈ રહી છે. ત્યારબાદ ઉપરોકત સમગ્ર ઘટના ઘટે છે અને બહાર આવે છે. ગાડીમાં બેઠેલા તેમના ડ્રાઈવર, સ્ટાફ અને પુત્ર પણ આ ગાડીમાંથી બહાર આવે છે અને આ લોકો ટોલકર્મીની સાથે મારઝૂડ કરવા લાગે છે અને ધારાસભ્ય ત્યાં જ ઊભા રહીને આ બધુ જ જોવે છે, ના તો તેમણે એ લોકોને છોડાવવાની કોશિશ કરી કે ના તો ટોલકર્મીને બચાવવાની કોશિશ કરી. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય પૂરન પ્રકાશ દ્વારા આવી પહેલી ઘટના ઘટી નથી. આ પહેલાં પણ ધારાસભ્ય પૂરન પ્રકાશ ર૯ ઓક્ટોબર ર૦૧૬ના રોજ ટોલકર્મી સાથે ઝઘડો કરતાં જોવા મળ્યા હતા અને તે સમયે પણ તેમના સમર્થકોએ ટોલકર્મી સાથે મારઝૂડ કરી હતી તે સમયે પણ તેમનો વીડિયો વાયરલ થયો હતો.