અમરેલી, તા.૨૨
અમરેલીના ગોખરવાળા નજીક મહુવાના મુસ્લિમ આધેડના બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મરનાર યુસુફભાઇ પોતાની દીકરી તથા દીકરાની સગાઈની કંકોત્રી આપવા અમરેલી આવી રહયા હતા ત્યારે ગોખરવાળા નજીક બાઇકમાં પેટ્રોલ પૂરૂ થઇ જતા પેટ્રોલ પુરાવી રોડ ઉપર આવતા જ કારે અડફેટે લેતા પેટ્રોલ મોતનું નિમિત્ત બની ગયેલ હતું. બનાવથી મહુવાનો મુસ્લિમ પરિવારમાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયેલ હતો. આ અંગે મળતી વિગતો અનુસાર મહુવામાં જનતા સોસાયટીમાં રહેતા અને ટ્રક ડ્રાઈવરનું કામ કરતા યુસુફભાઇ ઉસ્માનભાઈ કુરેશી (ઉ.વ.૫૦)ના દીકરી તથા દીકરાની સગાઇ ૨૮ જાન્યુઆરીના રોજ હોઈ અને દીકરીની સગાઇ માટે અમરેલીથી આવવાના હોઈ અને દીકરાની સગાઇ મહુવા ગામમાં જ નક્કી થઈ હતી દરમ્યાન સગાઈની કંકોત્રી આપવા માટે અમરેલી રહેતા કટુંબને આપવા યુસુફભાઇ મહુવાથી બાઈક લઈને નીકળેલ હોઈ અને અમરેલીના ગોખરવાળા નજીક બપોરે ૨ઃ૩૦ વાગ્યા સમયે પહોંચતા તેમના બાઈકનું પેટ્રોલ પુરૂ થતા તેવો ગોકરવાળા ગામના પેટ્રોલપમ્પ ઉપર બાઇકમાં પેટ્રોલ પુરાવી હજુ રોડ ઉપર ચડતા જ અમરેલીથી સાવરકુંડલા તરફ જઈ રહેલ ઇનોવા કાર નં-જીજે-૫ ૨૨૦૫ના ચાલકે અડફેટે લેતા યુસુફભાઈનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું. મૃતક યુસફભાઇના દીકરી-દીકરાનો ખુશીના પ્રસંગ હોઈ અને તેમના મોતથી ખુશીનો પ્રસંગ માતમમાં છવાયેલ હતો બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.