(સંવાદદાતા દ્વારા)
ડભોઈ, તા.૬
ડભોઇ તાલુકાના તેનતળાવ નજીકની કેનાલમાંથી વડોદરાના ગુમ થયેલ પરિવારની કારમાં પરિવારના ચાર મૃતદેહ મળી આવ્યા બાદ આજરોજ પાંચમા સભ્યનો મૃતદેહ પણ કેનાલમાંથી મળી આવ્યો છે.વડોદરાના નવાપુરા વણકરવાસ વિસ્તારના કલ્પેશભાઈ પરમાર તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી પરત ફરતા હતા. ૧ માર્ચના રોજ ગુમ થયા હોય ગતરોજ તેમની કાર ડભોઇ તાલુકાનાં તેનતળાવ નજીકની મિયાગામ બ્રાન્ચ કેનાલમાંથી મળી આવી હતી. જેમાં કલ્પેશભાઈ સહિત તેમના માતા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે તેમની પત્નીનો કોઈ પત્તો ન મળતા તેમાટે વડોદરા ફાયર અને ડભોઇ નગરપાલિકા ફાયરની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જ્યારે આજે વહેલી સવારે તે મહિલાનો મૃતદેહ પણ પુનિયાદ ગામની નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પીએમ માટે મૃતદેહને મોકલી આપી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. કલ્પેશભાઈની પત્ની તૃપ્તીબેન કલ્પેશભાઈ પરમારનો કોઈ પત્તો ન મળ્યો હોય પોલીસ દ્વારા વડોદરા ફાયર ટીમ અને ડભોઇ ફાયર ટીમ ની મદદથી કેનાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, ત્યારે બીજા દિવસે શોધતા શિનોર તાલુકાના પુનિયાદ ગામ નજીકની નર્મદા કેનાલમાંથી તૃપ્તીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તો તેમણે પોલીસે પીએમ માટે મોકલી આપી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, પણ કેવળિયાથી પરત ફરતા પરિવાર તેનતળાવ કેમ પહોચ્યો, આ આત્મહત્યા છે કે, અન્ય કોઈ કારણ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.