(એજન્સી)                                             મુંબઈ, તા.૨૬

બોમ્બે હાઈકોર્ટે આજે જણાવ્યું હતું કે, કાયદા મુજબ જો કોઈ વ્યક્તિને બે પત્નીઓ હોય અને બંને પત્નીઓએ વ્યક્તિને મળનાર નાણાં માટે દાવો કરતી હોય તો એવા સંજોગોમાં પ્રથમ પત્ની જ એ નાણાં મેળવવા અધિકાર ધરાવે છે. જો કે, એમના બંને પત્નીના બાળકો પોતાના પિતાની મિલકતમાં અધિકાર ધરાવે છે.

રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, આ પહેલાં ઔરંગાબાદ બેન્ચે પણ આ જ અવલોકન કર્યું હતું. બેંચ સુરેશ હત્નાકારની બીજી પત્નીની અરજી સાંભળી રહી હતી. જે મહારાષ્ટ્ર રેલવે પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરકે ફરજ બજાવતો હતો અને ફરજ દરમિયાન એમનું કોરોનાના લીધે ૩૦મી મેએ અવસાન થયું હતું. સરકારે ઠરાવ કર્યો હતો કે, જે કોઈ વ્યક્તિ ફરજ દરમિયાન કોરોનામાં મૃત્યુ પામશે તો એમના કુટુંબીજનોને ૬૫ લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. આના આધારે સુરેશની બંને પત્નીઓએ વળતર માટે દાવો કર્યો હતો. પછીથી સુરેશની બીજી પત્નીની દીકરી શ્રદ્ધાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી વળતરમાં પોતાનો હિસ્સો માંગ્યો હતો જેથી એ પોતાનું અને માતાનું ભરણપોષણ કરી શકે. રાજ્ય સરકારના વકીલે જણાવ્યું કે, સરકાર કોર્ટમાં પૈસા જમા કરાવશે અને ચુકાદા પછી વહેંચણી કરશે. સુરેશની પહેલી પત્ની શુભદા અને એમની દીકરી સુરભી પણ કોર્ટમાં હાજર હતા. એમણે કહ્યું કે, અમને ખબર નથી કે સુરેશને બે પરિવારો છે. જો કે, શ્રદ્ધાના વકીલે કોર્ટને જણાવ્યું કે, સુરભી અને શુભદાને ખબર હતી કે સુરેશને બે કુટુંબો છે. એમણે એ પણ જણાવ્યું કે, સુરેશ બીજી પત્ની સાથે ધારાવીમાં રહેતો હતો. હાઈકોર્ટે પ્રથમ પત્ની અને એમની દીકરીને સોગંદનામું દાખલ કરવા જણાવ્યું જેમાં તેઓ સ્પષ્ટ કરે કે શું તેમને સુરેશના બે લગ્નો બાબત માહિતી છે કે, કેમ ?