(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
૨૦૧૯ના પુલવામા આતંકી હુમલાના એક વર્ષ બાદ ગુરૂવારે આતંકીઓએ પુલવામા સ્ટાઇલ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ સમયસર પગલાં ભરતાં સંભવિત હુમલો નિષ્ફળ બનાવાયો હતો. સુરક્ષા દળો અંદાજે ૬૦ કિલો આઇઇડી વિસ્ફોટક દારૂગોળો ભરેલી કાર અટકાવવામાં સફળ થયા હતા. જો કે કારનો ડ્રાઇવર, સુરક્ષા દળોએ કાર પર ગોળીબાર કરતાં ભાગી જવામાં સફળ થયો હતો. દળોએ આ કાર જપ્ત કરીને કારને એક સૂમસામ જગ્યાએ લઇ જઇને તેમાં રહેલા દારૂગોળાનો નાશ કરીને ફરીથી પુલવામાનું પુનરાવર્તન થતું અટકાવ્યું હતું. અવાવરૂ સ્થળે કારને કન્ટ્રોલ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવામાં આવી ત્યારે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કારનો કાટમાળ ઉછળીને ૫૦ મીટર ઉપર સુધી ઉછળ્યો હતો અને આસપાસના મકાનોની બારીઓ પણ તૂટી ગઈ હોવાનું સત્તાવળાઓએ જાહેર કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી હતી. જૈશ-એ-મોહમ્મ્દ નામના આતંકી સંગગઠને આ દારૂગોળો ભરેલી કારની જવાબદારી સ્વીકારી હતી.
દરમિયાન આઇજી વિજય કુમારે એવો દાવો કર્યો કે આતંકીઓ કાર બોમ્બ દ્વારા દેશના સીઆરપીએફના ૪૦૦ જવાનોને ઉડાવી દેવાનો બદ ઇરાદો ધરાવતા હતા. પરંતુ સુરક્ષાદળોએ તેમનું ષડ્યંત્ર નિષ્ફળ બનાવીને ફરીથી પુલવામા પાર્ટ-૨ ન થાય તેમાં સફળતા મેળવી છે. ગુરુવારે સીઆરપીએફની ૨૦ ગાડીઓનો કાફલો શ્રીનગરથી જમ્મુ પહોંચ્યો છે. પોલીસે આ હુમલામાં ત્રણ આતંકવાદીઓ સામેલ થયાનો દાવો કર્યો છે. તેમાં પહેલું નામ આદિલ, બીજાનું ફૌજી ભાઈ છે. ત્રીજો કારનો ડ્રાઇવર હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે. પુલવામા હુમલાની જેમ આ કેસની તપાસ પણ એનઆઈએને સોંપવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસના આઇજી વિજય કુમારે કહ્યું કે “અમારી પાસે ઇનપુટ્‌સ હતા કે જૈશ-એ-મોહમ્મદના આતંકી આ કાર્યવાહી કરવાના હતા પરંતુ સેનાએ બાજ નજર રાખી અને ખૂબ જ સતર્કતા રાખી. સેનાના ઓપરેશનના લીધે તે કરી શકયા નહીં. સફેદ રંગની સેન્ટ્રો કારમાં વિસ્ફોટક ભર્યો હતો જેનું રજીસ્ટ્રેશન અને માલિક જમ્મુના કઠુાનો રહેવાસી હતો,જે આતંકી આ કાર ચલાવી રહ્યો હતો તેનું નામ આદિલ હતું. ઉલ્લેખનિય છે કે, ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ, લોકસભા ચૂંટણીઓ પહેલા પુલવામામાં આતંકીઓએ અંદાજે ૨૫૦ કિ.ગ્રા. આઇઇડી દારૂગોળો ભરેલી કાર ત્યાંથી પસાર થઇ રહેલા સુરક્ષા દળોના કાફલા સાથે અથડાવતાં ૪૦ સૈનિકો શહિદ થયા હતા.. બાદમાં આ હુમલો ચૂંટણીમાં એક મુદ્દો બન્યો હતો. સ્થાનિક પોલીસ અને આઇબીને એવી જાણકારી મળી હતી કે કેટલાક આતંકી સંગઠનો ફરીથી પુલવામા જેવો હુમલો કરવાની ફિરાકમાં છે અને એક કારમાં ૨૦થી ૨૫ કિ.ગ્રા. જેટલો ઇમ્પ્રુવ્ડ એક્સપ્લોઝીવ ડિવાઇસ(આઇઇડી) દારૂગોળો લઇને કોઇ નિકળ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોએ જાણકારીના આધારે એ કાર શોધી કાઢી અને તેને વસ્તીથી દૂર લઇ જઇને કારને ઉડાવી દઇને તેમાં રહેલો દારૂગોળાનો નાશ કર્યો હતો. સત્તાવાળાઓનું માનવુ હતું કે વધુ એક પુલવામા હુમલો અટકાવી શકાયો છે. સૂત્રોએ જણાવ્યું કે, પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રુટ્‌સ તુરંત સીલ કરી દીધા હતા. આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી. સુરક્ષાદળોએ પુલવામાં આઈનગુંડ વિસ્તારમાં એક સેન્ટ્રો કારમાં લઈ જઈ રહેલા આઈઈડીનો જથ્થો જપ્ત કર્યો હતો. જે વાહનમાં આ આઈઈડી મળ્યું છે તેના પરની નંબર પ્લેટ પર કઠુઆનો રજિસ્ટ્રેશન નંબર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષદળોએ કાર પર ફાયરિંગ કર્યું હતું જો કે ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન ગાડીની પાછળની સીટ પર આઈઈડી વિસ્ફોટથી ભરેલું ડ્રમ મળી આવ્યુ હતું. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી જેમણે બોમ્બને ડિસ્પોઝ કરી દીધો હતો. સુરક્ષાદળોએ કારની પાસે જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. સુરક્ષાબળોએ સમગ્ર રાત કારની વોચ રાખી હતી. . ત્યરબાદ આસપાસના ઘરોને ખાલી કરવી દઇને . વાહનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓનું કોઈ મોટું કાવતરું હતું. કાર પર સ્કૂટરની નંબર પ્લેટ લાગડવામાં આવી હતી, તેનું રજિસ્ટ્રેશન કઠુઆ જિલ્લાનું મળ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે, બુધવારે રાત્રે એક ગાડી ચેકપૉઇન્ટ તોડીને આગળ નીકળી ગઈ હતી, ત્યારબાદ તે બિનવારસી હાલતમાં એક ગામડાં પાસે મળી આવી હતી. કાર પર જેકે-૦૮ ૧૪૨૬ નંબર પ્લેટ લાગેલી હતી જે કઠુઆનો રજિસ્ટ્રેશન નંબર છે.