(એજન્સી) તા. ૧૫
બોલિવૂડના કિંગખાન મનાતા શાહરૂખખાને જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી. આ આતંકી હુમલાની ટીકા કરતાં શાહરૂખખાને શહીદ જવાનોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. હુમલાના લગભગ ૨૪ કલાક બાદ શાહરૂખખાને હુમલાની ટીકા કરતાં ટિ્‌વટ કરી અને લખ્યું કે, શહીદ જવાનોના પરિવારો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરૂં છું. સાથે જ હું એ શહીદ જવાનોની આત્માની શાંતિ માટે દુવા કરૂં છું જેમણે આપણા દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. શાહરૂખ ખાન સહિત અન્ય બોલિવૂડ સ્ટારોએ પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. આમિર ખાનથી લઈને સલમાન ખાને પણ આ હુમલાની ટીકા કરી હતી. સલમાને આ હુમલાની ટીકા કરતાં લખ્યું કે મારું મન આપણા દેશના જવાનો અને તેમના પરિવારો માટે ઘણું દુઃખી છે. તેમણે આપણી સુરક્ષા માટે પોતાનો જીવ આપી દીધો. જોકે આમિર ખાન પણ આ હુમલાની દુઃખી છે. તેમણે આ મામલે ટીકા કરતા લખ્યું કે, પુલવામામાં આપણાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા વિશે વાંચીને ઘણો દુઃખી છું. આ દુઃખદ છે અને એ સૈનિકોના પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ જેમણે પોતાના પરિવારજનોને ગુમાવી દીધા છે. તમને જણાવી દઈએ કે, પુલવામામાં આત્મઘાતી હુમલામાં શહીદ ૪૦ સીઆરપીએફ સૈનિકોમાં એક ઓળખની રાજ્યના રાજૌરી જિલ્લાના નસીર અહેમદ તરીકે થઈ હતી.