(એજન્સી) તા.૧૪
આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સની (એનઆરસી) આખરી યાદીમાં ૧૯ લાખ લોકોની બાદબાકી કરવામાં આવી હતી. તેમને હજુ રીજેક્શન સ્લિપ પણ ઇસ્યૂ કરાઇ નથી. રીજેક્શન સ્લિપ ઇસ્યૂ કરાયાં બાદ તેમના કેસ ફોરેનર્સ ટ્રીબ્યુનલ્સમાં જશે કે જ્યાં તેમને પોતાની નાગરિકતા પુરવાર કરવા માટે લાંબી કાનૂની લડત આપવી પડશે.
આ પ્રક્રિયા સંપન્ન થાય તે પહેલા રાજ્યમાં ખીલોંજીયા એટલે કે સ્વદેશી કોણ છે તે મુદ્દો ઊભો થયો છે. આસામ સમજૂતિના ક્લોઝ-૬ અનુસાર ગૃહ મંત્રાલય દ્વારા ગઠિત ઉચ્ચસ્તરીય સમિતિએ તે અંગે પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે અને ૧૯૫૧ના વર્ષને આ અધિકારો માટે કટઓફ તારીખ તરીકે નિર્ધારીત કરાયું છે.
આમ ઝડપથી બદલાતાં રાજકીય સ્થિતિમાં સંજીવ બરુઆનું અદ્યતન પુસ્તક ‘ઇન ધ નેમ ઓફ ધ નેશન : ઇન્ડિયા એન્ડ ઇટ્‌સ નોર્થ ઇસ્ટ’ સાંપ્રત સંજોગોમાં ઘણું પ્રસ્તુત બની રહેનાર છે. આ પુસ્તકમાં લેખક નાગરિકતા સુધારા કાયદા (સીએએ) પર આ પ્રદેશનું વલણ સ્પષ્ટ કરે છે. આસામના લોકોએ સીએએનો વિરોધ કર્યો છે કારણ કે તેઓ તેને આસામની સ્વદેશી પ્રજા વિરુદ્ધ ખતરા તરીકે ગણે છે.
આ પુસ્તક પ્રસ્તાવના અને નિષ્કર્ષ ઉપરાંત છ પ્રકરણમાં વિભાજિત છે. આ પ્રકરણોમાં આ પ્રદેશમાં ભાગલાની, સ્થળાંતરની, વિદ્રોહની, પ્રતિ વિદ્રોહની કેવી અનુભૂતિ થઇ છે એવા મુદ્દાઓની છણાવટ કરવામાં આવી છે. આ પ્રદેશના પુનર્ગઠનના પાંચ દાયકા બાદ પણ વંશીય માતૃભૂમિની રાજનીતિએ પ્રદેશની જુદી જુદી જાતિઓ માટે શું કર્યું છે એ પ્રશ્ન ઊભો થયો છે. મેઘાલય અને અરુણાચલ પ્રદેશના ઉદાહરણો ટાંકીને બરુઆ એક બાજુ જણાવે છે કે આ વિસ્તારોને શોષણ કરનાર બહારીઓથી કઇ રીતે બચાવવા જોઇએ અને બીજી બાજુ જણાવે છે કે બાહરના લોકો દ્વારા કઇ રીતે આ પ્રદેશના સંસાધનોનું ખનન થાય છે. છેલ્લા બે પ્રકરણમાં પ્રદેશમાં સરકારની બંડખોરી વિરુદ્ધ કાર્યવાહી અને પગલાંઓની ઝાંખી આપવામાં આવી છે.