(એજન્સી) તા.૯
પાલઘરમાં બે સાધુઓ સહિત ત્રણ વ્યક્તિઓની મારપીટ કરી હત્યા કરવાની ઘટના મામલે પોતાના કાર્યક્રમમાં કથિત ટિપ્પણીઓના કારણે તપાસનો સામનો કરી રહેલા અંગ્રેજી સમાચાર ચેનલ રિપબ્લિક ટીવીના વિવાદાસ્પદ એન્કર અને સંસ્થાપક અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસે ફરી એકવાર પૂછપરછ માટે નોટિસ મોકલાવી હતી.
આ વખતે મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની સાથે રિપબ્લિક ટીવીના મુખ્ય નાણાકીય અધિકારી સુંદરમને પણ પૂછપરછ માટે ૧૦ જૂન ૨૦૨૦ના રોજ પાઈધોની પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું છે.
અર્નબ ગોસ્વામી અને રિપબ્લિક ટીવીના મુખ્ય નાણાકીય અધિકારીને મોકલવામાં આવેલી નોટિસમાં મુંબઈ પોલીસે તેમને તપાસ અધિકારી સુરેશ ગાયકવાડ સમક્ષ હાજર થવા કહ્યું છે. આ પૂછપરછ ૨ મે ૨૦૨૦ના રોજ નોંધાયેલા એક કેસ સંબંધિત છે જેને આઈપીસીની કલમ ૧૫૩, ૧૫૩એ, ૨૯૫એ, ૫૦૦, ૫૦૫ (૨), ૫૦૧ (૧)(બી)(સી), ૫૧૧, ૧૨૦ (બી) હેઠળ દાખલ કરાયો હતો.
મુંબઈ પોલીસ દ્વારા ગોસ્વામીને વર્તમાન સમન્સ મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં દાખલ એક અન્ય એફઆઈઆરના સંબંધમાં છે. રઝા એજ્યુકેશન વેલફેર સોસાયટી સાથે સંકળાયેલા ફરિયાદપક્ષ ઈરફાન અબુબકર શેખે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અર્નબે તેના શૉના માધ્યમથી એક વિશેષ સમુદાય એટલે કે મુસ્લિમોને નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો.