(એજન્સી) કોલકાતા, તા.૨૦
તૃણમૂલ કોંગ્રેસે સોમવારે કહ્યું કે, પૂજા મંડપોને “પ્રવેશ બંધ” વિસ્તાર જાહેર કરવાના કલકત્તા હાઇકોર્ટના નિર્ણયથી કેટલાક લોકો નિરાશ થશે. જ્યારે રાજ્યમાં વિપક્ષી દળોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રોયે કહ્યું કે, લોકો દુર્ગા પૂજાની ઉજવણી માટે વર્ષભર રાહ જુએ છે. એમણે કહ્યું કે, દુર્ગા પૂજાને સંભવિત બનાવનાર કેટલાક આયોજકો આ નિર્ણયથી નિરાશ થશે. દરમિયાનમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કોર્ટના આદેશને યોગ્ય ઠરાવતા આવકાર્યો છે. સી.પી.આઈ.ના ધારાસભાના અધ્યક્ષ સુજન ચક્રવર્તીએ કહ્યું કે, આ નિર્ણય હજારો લોકોના જીવનું રક્ષણ કરશે. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ વખતે કોવિડ-૧૯ના લીધે બધાને કોઈના કોઈ બલિદાન આપવું જ પડશે. નોંધનીય છે કે, કોર્ટે કોવિડ-૧૯ના ફેલાવાને અટકાવવા સોમવારે રાજ્ય ભરના તમામ દુર્ગા પૂજામંડપોમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. પ. બંગાળમાં હજુ સુધી કોરોનાના ૩.૨ લાખ કેસો સામે આવ્યા છે અને ૬,૦૦૦થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.