(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
પુણા વિસ્તારમાં આવેલી યુરો સ્કૂલ દ્વારા બુક લેવા વાલીઓને બોલાવી ફીની માગણી કરવામાં આવી હતી. જે વાલી ફી ભરવા માટે બે ત્રણ મહિનાનો સમય માંગતા તેઓને વિદ્યાર્થીઓની એલસી આપી દેવાની વાત કરતા આજે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ધરણા પર બેઠા છે.
યુરો સ્કૂલના વાલી રામભાઈ ધડુકના જણાવ્યા અનુસાર સ્કૂલમાંથી વિદ્યાર્થીઓના ચોપડા બુક લઈ જવા માટે ફોન આવ્યો હતો. વાલીઓ સ્કૂલ પર જતા ફીની માગણી કરવામાં આવી હતી. પહેલા ત્રિમાસિક સમયની ફી ભર્યા પછી જ વાલીઓને ચોપડા આપવામાં આવતા હતા. આ સ્કૂલના આશરે ૭૦ જેટલા વાલીઓ દ્વારા લોકડાઉન દરમ્યાન ધંધો, રોજગાર, નોકરી બંધ હોવાથી આગામી બે ત્રણ મહિના દરમ્યાન ફી ભરવાનું જણાવતા આવા વાલીઓને બાળકોની એલસી કઢાવી જવાની સૂચના સ્કૂલ દ્વારા આપવામાં આવી હતી.
વાલીઓની આર્થિક સ્થિતિ હાલમાં એવી ન હતી કે તેઓ તાત્કાલિક ફી ભરી શકે. ૩૩ જેટલા વાલીઓએ હાલ ફી ભરવામાં અસમર્થતા દાખવી સંતાનોની એલસી માંગી અન્ય સ્કૂલમાં જવા માટે સહમત થયા હતા. આવા ૩૩ વાલીઓને સ્કૂલ દ્વારા એલસી ન આપી સ્કૂલ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ વાલીઓને સ્કૂલના ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. વાલીઓ એકત્રિત થઈને બપોરે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ આવેદન પત્ર આપી સ્કૂલના સંચાલકોની જોહુકમી વિરૂદ્ધ ધરણા પર બેઠા છે.