(સંવાદદાતા દ્વારા)
પાવીજેતપુર, તા.ર૭
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે એસ.એસ.સીના એક-બે વિષયની પૂરક પરીક્ષાઓનું જિલ્લા કક્ષાએ એક જ સેન્ટરના બદલે માર્ચ માસમાં લેવાયેલી દરેક પરીક્ષા સેન્ટરો ઉપર પૂરક પરીક્ષાના સેન્ટરો મળે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સમગ રાજ્યમાં એસએસસીની પરીક્ષાઓમાં ૩૯% જેટલા બાળકો નપાસ થયા છે સ્વાભાવિક રીતે જુલાઈ માસમાં યોજાનાર પૂરક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં રહેવાની સંભાવના છે. જિલ્લા કક્ષાએ એક જ સેન્ટર આપવામાં આવે તો હજારોની સંખ્યામાં ભેગા થનાર બાળકોના સ્વાસ્થ્યનું શું ? આ વેધક સવાલ વાલીઓમાં ઉઠી રહ્યો છે. સામાન્ય રીતે નાની મોટી દરેક શાળાઓમાં એક બે વિષયની પૂરક પરીક્ષા આપનાર ૫૦થી ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ નોંધાઈ રહ્યા છે. જિલ્લાકક્ષાના સ્થાને તાલુકા કક્ષાએ પણ એસ.એસ.સી.નું પૂરક પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવે તો પણ ૭૦૦થી ૧૦૦૦ જેટલા બાળકો ભેગા થાય તેવી દહેશત છે. તેથી તાલુકામાં આવેલા દરેક એસ.એસ.સી. સેન્ટરો ઉપર પૂરક પરીક્ષાઓ લેવામાં આવે તો બાળકોની સંખ્યા પણ દરેક સેન્ટર પર ઓછી થશે અને કોરોના વાયરસના કહેરથી બચી શકાશે. વર્તમાન સમયમાં છોટાઉદેપુર જિલ્લામાં પણ રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે આવા સમયે પૂરક પરીક્ષા માટે હજારોની સંખ્યામાં બાળકોને ભેગા કરી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા બરાબર છે. વાલીઓ પોતાના બાળકોને પૂરક પરીક્ષા આપવા માટે મોકલવામાં મૂંઝવણમાં છે જ્યારે કેટલાક વાલીઓ તો કોરોના વાયરસનો વધી રહેલા કહેરથી ગભરાઈને પોતાના બાળકોને પૂરક પરીક્ષા આપવા માટે ન મોકલવાના નિર્ણય પર મક્કમ જણાઈ રહ્યા છે. સી.બી.એસ.સી. જે રીતે પરીક્ષા કેન્સલ કરી છે તે રીતે ગુજરાત માધ્યમિક બોર્ડ પણ પૂરક પરીક્ષા કેન્સલ કરી બાળકોને પાસ કરી દે એવી વિદ્યાર્થીઓ વાલીઓની માંગ ઉઠી છે. આમ, સમગ્ર રાજ્યની સાથે-સાથે છોટાઉદેપુર જિલ્લામાં પણ કોરોના વાયરસનો કેહેર વધી રહ્યો છે ત્યારે તંત્ર પૂરક પરીક્ષાનું સેન્ટર જિલ્લાકક્ષાના સ્થાને જે સેન્ટરો ઉપર માર્ચમાં બાળકે પરીક્ષા આપી હતી તે જ સેન્ટર રાખવામાં આવે તેવી વાલીઓની બુલંદ માંગ ઉઠી છે.