ગાંધીનગર, તા.૧૩
કેન્દ્રનો ગુજરાતને હળહળતો અન્યાયના અને કેન્દ્રની ગુજરાતને થપ્પડની મોટી મોટી જાહેરાતો કરી તત્કાલીન કેન્દ્રની યુપીએ સરકાર ઉપર ગુજરાતની ભાજપ સરકાર દ્વારા આક્ષેપો કરાતા હતા પરંતુ હવે કેન્દ્રમાં પણ ભાજપ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી અન્યાય થઈ રહ્યો છે. ગુજરાતની ભાજપ સરકારે પુરના લીધે થયેલા નુકસાન બદલ કેન્દ્રની મોદી સરકાર પાસે બે વાર સહાય માંગી હતી તેમ છતાં મોદી સરકારે એક કોણી પાઈ પણ પૂર રાહત માટે આપી નથી. ગુજરાત વિધાનસભામાં વર્ષ ર૦૧૭માં આવેલી અતિવૃષ્ટિને લીધે થયેલા નુકસાનની સામે સહાય પેટે કેન્દ્ર સરકાર પાસે ગુજરાત સરકારે રૂા.ર૦૯૪.૯ર કરોડની સહાયની માગણી કરી હતી પરંતુ આ બાબત કેન્દ્ર સરકાર પાસે વિચારણા હેઠળ હોવાથી બનાસકાંઠા અને પાટણ જિલ્લાને સહાય ચૂકવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હોવાનું ગુજરાત સરકારના મંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જણાવ્યું છે. તેવી જ રીતે બીજા એક પ્રશ્નના જવાબ ગુજરાત સરકારના મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જૂન-જુલાઈ ર૦૧પમાં અતિવૃષ્ટિના કારણે થયેલી નુકસાનની સામે સહાય માટે કેન્દ્ર પાસેથી રૂા.૪૪૭૩.૪૭ કરોડની માગણીની દરખાસ્ત સપ્ટેમ્બર ર૦૧પમાં કરવામાં આવી હતી. જેમાં ભારત સરકારની એનડીઆરએફની હાઈલેવલ કમિટીની તા.૯/૧૧/ર૦૧પના રોજ મળેલી બેઠકમાં રૂા.પ૬૧૮ર કરોડની સહાય એનડીઆરએફમાંથી મંજૂર કરવામાં આવી હતી. જેમાં શરત મૂકી હતી કે રાજ્ય સરકારની એસડીઆરએફની સીલકના પ૦ ટકા અથવા મંજુર કરવામાં આવેલી સહાય એસડીઆરએફની સિલક કરતા ઓછી હોય તેવા સંજોગોમાં સહાય મળવાપાત્ર થશે. જ્યારે તેવી શરતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને કોઈ રકમ મળવાપાત્ર નથી તેવો જવાબ તા.૧/૧ર/ર૦૧પના રોજ મળ્યો હતો જેથી કેન્દ્ર સરકાર દ્વારા ફંડ ફાળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એમ ગુજરાત સરકારના મંત્રીએ લેખિતમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ અને બનાસકાંઠામાં ર૦૧૭માં પૂર આવ્યું ત્યારે વડાપ્રધાન મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ પૂર બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ચૂંટણી સભાઓ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ઉપર ટીકા કરતા હતા કે લોકો પૂરમાં પરેશાન હતા અને કોંગી ધારાસભ્યો બેંગ્લોરના રિસોર્ટમાં છબછબિયા કરતા હતા ત્યારે હવે ગુજરાતમાં પૂર તો જતું રહ્યું પણ રાજ્યમાં પાણીની પણ તંગી પડવા લાગી છે ત્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતમાં પૂર પીડિતોને રાહત માટે એક પણ રૂપિયાની સહાય કેન્દ્ર તરફથી મળી નથી ત્યારે ગુજરાતને કેન્દ્રનો હળહળતો અન્યાય થયો હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.