(એજન્સી) વોશિંગ્ટન, તા.૬
જો બિડેને ઔપચારિક રીતે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન કર્યું છે અને તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મજબૂત પડકાર સમાન છે. એક તરફ અમેરિકા કોરોના મહામારી, આર્થિક પતન અને નાગરિકોની અશાંતિ જેવી પૃષ્ઠભૂમિથી ઘેરાયેલું છે તેવામાં ટ્રમ્પને પડકારવા જો બિડેન મેદાનમાં ઊતર્યા છે.
અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બિડેન પોતાની પાર્ટીના પ્રભાવી નેતા રહી ચુક્યા છે કારણકે ડેમોક્રેટિક પ્રાઈમરીમાં તેમના અંતિમ ચેલેન્જર બર્ની સૈંડર્સે એપ્રિલમાં પોતાનું અભિયાન સમાપ્ત કરી દીધું હતું. મંગળવારે સાત રાજ્યો અને કોલંબિયા જિલ્લાના રાષ્ટ્રપતિ માટે આયોજિત પ્રાથમિક ચૂંટણી બાદ બિડેને ૧,૯૯૧ પ્રતિનિધિઓના સમર્થન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પ્રાથમિક ચૂંટણીના ત્રણ દિવસ બાદ બિડેન વિજયી જાહેર થયા.
ડેમોક્રેટ્‌સ વ્યક્તિગત કોંગ્રેસ જિલ્લામાં પરિણામોના આધારે પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં મોટાભાગના પ્રતિનિધિઓને પુરસ્કૃત કરે છે. બિડેન પાસે હવે ૧,૯૯૩ પ્રતિનિધિઓ છે જેમાંથી હજુ પણ આઠ રાજ્ય અને ત્રણ અમેરિકી ક્ષેત્રમાં સ્પર્ધા થવાની છે. દેશ હાલ સંકટનો સામનો કરી રહ્યો છે માટે બિડેનના નામાંકનને હળવી ધામધૂમ સાથે મનાવવામાં આવ્યું હતું.
ગ્રેટ ડિપ્રેશન બાદ અમેરિકામાં બેરોજગારીનો દર સૌથી ખરાબ છે અને જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ બાદ દેશના અનેક શહેરોમાં આગ ભડકી છે. આ બધા સંજોગોમાં ટ્રમ્પ માટે પડકારો ખૂબ જ વધી રહ્યા છે.