નવી દિલ્હી, તા.૨૬
ભારતનાં પૂર્વ ક્રિકેટર રોબિન સિંહ પર લૉકડાઉન નિયમોનો કથિત ભંગ કરવાના મામલે ૫૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની કારને જપ્ત કરવામાં આવી છે. તમિલનાડુનાં આ પૂર્વ ક્રિકેટર કાર લઇને શાકભાજી લેવા ગયા હતા અને તેમને પોલીસે પકડી લીધી. પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે તેમના પર ૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.
કોરોના વાયરસ મહામારીનાં કારણે ચેન્નઈ અને આસપાસનાં ત્રણ જિલ્લામાં સખ્ત લૉકડાઉન ૩૦ જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે. આ અંતર્ગત લોકો જરૂરી કામ માટે જ ઘરની આસપાસ બે કિમીની અંદર સુધી જઇ શકે છે અને વાહનનો ઉપયોગ ન કરી શકે. ઉલ્લેખનીય છે કે રૉબિન સિંહ ભારત માટે લિમિટેડ ફૉર્મેટનાં બેસ્ટ ઑલરાઉન્ડર્સમાંથી એક રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રૉબિન સિંહ ચેન્નઈમાં પોતાની પત્ની સુજાતા અને દીકરા ધનંજય સાથે રહે છે. રૉબિન સિંહની ચેન્નઈમાં ક્રિકેટ એકેડમી પણ છે. તેમણે ભારત માટે ૧૩૬ વનડેમાં ૨૩૩૬ રન બનાવ્યા અને એક સદી તેમજ ૯ અડધી સદી ફટકારી છે.