(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૨
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સોંસિયા ગામે રહેતા કાનાભાઈ ગોવિંદભાઈ ઢાપા (ઉ.વ.૩ર) પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવવાના મામલે ઝડપાયેલ ત્રાપજ ગામનો જગદેવસિંહ ગોહિલના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન કાનાભાઈની હત્યા પ્રેમિકા માયા સરવૈયાના કહેવાથી કરી હોવાની અને માયા સરવૈયાને અગાઉ મૃતક કાનાભાઈ ડાપા સાથે ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યા બાદ સંબંધમાં તિરાડ પડતા માયા સરવૈયાને પોતાની સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ મૃતક આડખીલીરૂપ બનતા માયા સરવૈયાના કહેવાથી અને તેણીની ઉશ્કેરણીથી કાનાભાઈને દારૂ પીવડાવી તેની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. જગદેવસિંહ ગોહિલની કબૂલાતના આધારે પોલીસે માયા સરવૈયાની અટક કરી હાથ ધરેલી તપાસમાં માયા સરવૈયાએ એવી કબૂલાત આપી હતી કે, તેણી અલંગ યાર્ડમાં ભંગાર વીણી તે વેચી પોતાનું અને સંતાનનું ગુજરાન ચલાવતી હતી અને ભંગાર વેચાણના આવેલા રૂપિયા કટકે-કટકે મૃતક કાનાભાઈને આપતી હતી, જે કુલ રૂપિયા ૪ લાખ જેવા એકઠા થતાં તેણીએ કાનાભાઈ પાસે માંગતા કાનાભાઈએ ઈનકાર કરી દેતા સમગ્ર વાત યાર્ડમાં ચોકીદારી કરતો જગદેવસિંહ ગોહિલને કર્યા બાદ તેણીને જગદેવસિંહ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને પૂર્વ પ્રેમી મૃતક કાનાભાઈનો કાંટો હંમેશને માટે દૂર કરવા અંગેનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત આપી હતી.