(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટીન સર્જાયેલા અકસ્માત બાદ છેલ્લાં ૨૦ દિવસથી ગંભીર સ્થિતિમાં હોસ્પીટલમાં દાખલ છે. હાલમાં આઇસીયુમાં દાખલ જેકોબની વ્હારે બીસીસીઆઇ આવ્યું છે. રોયલ ગ્રુપની રજૂઆત બાદ બીસીસીઆઇ દ્વારા જેકોબની સારવાર માટે પાંચ લાખની મદદને મંજુરી આપવામાં આવી હતી. જ્યારે વડોદરાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ તથા મુનાફ પટેલે પણ જેકોબ માર્ટીનની સારવાર માટે મદદ માટે આગળ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૮મી ડિસેમ્બરનાં રોજ જેકોબ માર્ટીન જુના પાદરા રોડ પર લાયન્સ કલબ પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક સ્પીડ બ્રેકર આવી જતાં જેકોબ માર્ટીન બાઇક સાથે નીચે પટકાતા તેને પાંસળીનાં ભાગે તથા ફેફસામાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેના પગમાં પણ ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલીક જેકોબ માર્ટીનને સારવાર અર્થે નજીકનાં ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની ૨૦ દિવસથી સારવાર ચાલી રહી છે. આઇસીયુમાં દાખલ જેકોબની હાલત હાલ ગંભીર છે. સારવાર માટે ૧૩ લાખથી વધુનો ખર્ચ થાય તેમ છે. જેકોબના પરિવાર દ્વારા ૫ લાખ હોસ્પિટલને ચુકવી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીની રકમ માટે હોસ્પિટલ દ્વારા દબાણ કરવામાં આવતા તેનો પરિવાર દ્વિધામાં મુકાયો છે. જેકોબ માર્ટીનનાં અકસ્માતને પગલે વડોદરા ક્રિકેટ આલમમાં ભારે ચકચાર મચી જવા પામી હતી તથા ક્રિકેટરો તેની મદદે આગળ આવ્યા છે. બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી તથા રોયલ ગ્રુપનાં સંજય પટેલે બીસીસીઆઇમાં જેકોબ માર્ટીનની સારવાર માટે મદદ કરવા રજૂઆત કરી હતી. ત્યારબાદ માત્ર ૨ જ કલાકમાં બીસીસીઆઇ દ્વારા જેકોબ માર્ટીનની સારવાર અર્થે પાંચ લાખ રૂપિયાની સહાય કરવાની મંજુરી આપી હતી તેમ સંજય પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ટીમ વતી ૧૦ વન-ડે તથા ૧૩૮ પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચ રમી ચુકેલા જેકોબ માર્ટીનને સહાય કરવા વડોદરાનાં ક્રિકેટરો ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ તથા મુનાફ પટેલ પણ આગળ આવ્યાં છે. તેમજ જેકોબ માર્ટીનની સારવાર માટે શકય તેટલી મદદ કરવાનું જણાવ્યું છે તેમ પણ રોયલ ગ્રુપનાં જતીન વકીલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ૨૦ દિવસથી જેકોબની સારવાર ચાલી રહી છે તથા તેના પરિવારની આર્થિક સ્થિતિનાં પગલે રોયલ ગ્રુપ દ્વારા રજુઆત કરાયા બાદ માત્ર બે જ કલાકમાં પાંચ લાખની મદદ બીસીસીઆઇએ મંજુર કરી હતી. જ્યારે ૨૦ દિવસથી સારવાર લઇ રહેલાં વડોદરાનાં આ ક્રિકેટર માટે બરોડા ક્રિકેટ એસોસીએશન દ્વારા કોઇ સહાય કરવામાં આવી નથી.