(સંવાદદાતા દ્વારા)
પાલેજ, તા.ર૯
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપને ધ્યાનમાં લઇ ઇખર તાલુકા આમોદ ખાતે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે માટે ઇખર ખાતે ૪૦ બેડની ઓક્સિજન સુવિધા સાથે હોમબેઝડ કોવિડ કેર સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું; જેમાં પૂર્વ ભારતીય બોલર મુનાફ પટેલ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જિલ્લા કક્ષાએ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે એવામાં ઇખર ગામે બીબી આપા કોમ્યુનિટી હોલ ખાતે ઓક્સિજન સુવિધાયુક્ત હોમબેઝડ કોવિડ કેર સેન્ટરનો બુધવારથી આરંભ કરવામાં આવ્યો. આ અવસરે વર્લ્ડ વોરા ફેડરેશન (ઇન્ડિયા ચેપટર)ના અગ્રણી યુનુસ પટેલે જણાવ્યું હતું કે કોરોના સંક્રમિત દર્દીઓને ભરૂચ વડોદરા જવું નહિ પડે અને ઇખરમાં ઘર આંગણે જ તેઓની સારવાર શરૂ કરવામાં આવશે. નોડલ ઓફિસર તબીબો, નર્સિંગ સ્ટાફ, મદદનીશ સ્ટાફની સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોવિડના પોઝિટિવ દર્દીઓ કે જે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં હોય તેમને ભરૂચ ખસેડવામાં આવશે. ઇખર ખાતે શરૂ કરવામાં આવેલ હોમ કોરેન્ટાઇલ સેન્ટર ખાતે અત્યંત હળવા લક્ષણો મોડરેટ કેસોની સારવાર આપવામાં આવશે. ઇખર સેન્ટરને સામાજિક સેવાભાવી સંસ્થાઓ વિદેશમાં વસવાટ કરતા નાગરિકો દ્વારા કોવિડ કેર સેન્ટરને અનુદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજરત મુફ્તી અહમદ સાહેબ દેવલવી દારૂલ કુરાન જબુંસર, અલ મહમૂદ જનરલ હોસ્પિટલ, જબુંસર-આમોદ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, યુનુસ પટેલ અમદાવાદી વર્લ્ડ વોરા પટેલ ફેડરેશન (ઇન્ડિયા ચેપ્ટર) સલીમભાઈ ફાંસીવાલા વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ, સુલેમાનભાઈ જોલવા, મેહબુબ કાકુજી-આમોદ, ઇખરના જાણીતા ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, અગ્રણી ઉસ્માનભાઈ મીડી, ડો.યુનુસ તલાટી, મકબુલભાઈ ખંખારા ઇખર પંચાયત સરપંચ તથા અગ્રણી હારૂન ગુલામ ચાંચવેલીયા ઉપસ્થિત રહ્યા હતા.