અમદાવાદ, તા.ર૭
એનસીપીમાંથી રાજીનામું આપી પ્રજા શક્તિ મોરચાની રચના કર્યા બાદ ભાગદોડમાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો તેઓ હોસ્પિટલમાં દાખલ થઈ જશે.
એનસીપીના પ્રદેશ પ્રમુખ તરીકે જયંત બોસ્કીની નિમણૂંક કરાયા બાદથી શંકરસિંહ વાઘેલા મોવડીમંડળથી ભારે નારાજ થયા હતા અને તેમણે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ ત્રણ દિવસ અગાઉ જ એનસીપીમાંથી પણ રાજીનામું આપી અલવિદા કરી હતી. ત્યારબાદ તેમણે પ્રજા શક્તિ મોરચા નામે નવી પાર્ટી શરૂ કરી હતી. આ કામગીરીના કારણે તેઓ સતત વ્યસ્ત રહેતા હતા અને બે દિવસ અગાઉ તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધન કરી તેમના સમર્થકો સાથે બેઠક પણ યોજી હતી. આમ સતત કામગીરીના કારણે તેમની તબિયત લથડતા કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. જો કે, તેમણે જણાવ્યું હતું કે, જો જરૂર લાગશે તો હું ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ થઈ જઈશ. આમ શંકરસિંહ બાપુને કોરોના પોઝિટિવ થયાની જાણ થતાં તેમના સમર્થકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.