(એજન્સી) તા.૧૧
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલ દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હોસ્પિટલમાં મુખરજીની બ્રેઇન સર્જરી (મગજનું ઓપરેશન) કરવામાં આવી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના દિમાગમાં લોહીની ગાંઠો થઇ હોવાથી તેને દૂર કરવા તેમની બ્રેઇન સર્જરી કરાઇ હતી. આર્મી હોસ્પિટલ દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે મુખરજીને હાલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને તેની સ્થિતિ અત્યંત નાજુક છે.
આર્મી હોસ્પિટલના બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ૧૦ ઓગસ્ટના રોજ બપોરે ૧૨.૦૭ કલાકે અતિ ગંભીર હાલતમાં દિલ્હી કેંટ વિસ્તારમાં આવેલી આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેમના મગજમાં લોહીની ગાંઠો થઇ ગઇ હતી. ઇમર્જન્સિની સ્થિતિમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન પૂરું થયા બાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ ઉપર રાખવામાં આવ્યા છે. જો કે વધુ તપાસ કરતા મુખરજીને કોરોના પોઝિટિવ હોવાનું પણ જણાયું હતું. જો કે મુખરજીએ પોતે જ સોમવારે જાહેર કર્યું હતું કે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
બાદમાં એવી માહિતી મળી હતી કે મુખરજી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. એવા પણ અહેવાલો આવ્યા હતા કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એક નાની બ્રેઇન સર્જરી કરાવવા આર્મી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પરંતુ જ્યારે તેમનો કોરોના ટેસ્ટ કરાયો ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખરજીને કોરોના પોઝિટિવ હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા અને અનેક રાજકીય નેતાઓએ તેમના જલ્દી સાજા થઇ જવાની શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.