(એજન્સી) તા.૮
લદાખની પૂર્વે આવેલી સરહદે ઘૂરકિયા કરી રહેલાં ચીનની સામે ભારતે જડબાતોડ જવાબ આપવાની પૂરજોશમાં તૈયારી કરી દેતાં ચીની ડ્રેગન છેવટે ઠંડુ પડ્યું હતું અને વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) ઉપર શાંતિ જાળવવા સંમતિ દર્શાવી હતી જો કે, ભારતે પણ શાંતિની તરફેણ કરી હતી. ચીને કહ્યું હતું કે, વાસ્તવિક કુશ રેખા ઉપર છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા સરહદ વિવાદના ઉકેલ માટે બંને દેશોના નેતાઓ વચ્ચે સધાયેલી સર્વસંમતિનો અમલ કરવાની જરૂર છે. વાસ્તવિક અંકુશ રેખા ઉપરના પ્રવર્તમાન સરહદ વિવાદનો ઉકેલ વાટાઘાટોને મંત્રણાઓથી લાવવા ભારતને ચીન બંને સંમત છે અને આ વિવાદના ઉકેલ માટે બંને દેશોના નેતાઓ વચ્ચે સધાયેલી સર્વસંમતિનો અમલ કરવાની જરૂર છે એમ ચીનના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું.
સરહદે પ્રવર્તી રહેલી તંગદીલીનો અંત લાવવા દ્વિપક્ષીય કરારની શરતો અનુસાર બંને દેશોના ટોચના લશ્કરી અધિકારીઓ વચ્ચે યોજાયેલી લંબાણપૂવકની વાટાઘાટોના બે દિવસ બાદ ચીનના વિદેશ મંત્રાલયના મહિલા પ્રવક્તા હુઆ ચૂન યીંગનું આ નિવેદન આવ્યું હતું.
૬ જૂનના રોજ બંને દેશોના લશ્કરી કમાન્ડરો વચ્ચે ચૂસુલ મોલ્દો પ્રદેશમાં લંબાણપૂર્વની મંત્રણાઓ યોજાઇ હતી અને બંને પક્ષો વચ્ચે પરામર્શ પણ થયો હતો. તાજેતરમાં બંને દેશોના રાજદ્વારી અને લશ્કરી અધિકારીઓએ પણ બંધ બારણે ઘણી વાટાઘાટો કરી હતી. તમામ વાટાઘઆટો અને મંત્રણાઓનો એવો નિષ્કર્ષ આવ્યો હતો કે, બંને દેશોની નેતાગીરી વચ્ચે સધાયેલી સર્વસંમતિનો અમલ કરવો જોઇએ અને એ બાબતની ખાસ કાળજી લેવાવી જોઇએ કે, મતભેદો કોઇપણ સંજોગોમાં વિવાદનું સ્વરૂપ ધારણ કરે નહીં એમ હુઆએ કહ્યું હતું. તેમણએ આ મુજબનું નિવેદન કરીને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીન પીંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ભૂતકાળમાં યોજાયેલી એ બે અનૌપચારિક મિટિંગનો સંદર્ભ આપ્યો હતો જેમાં બંને દેશોના લશ્કરને સરહદે વિશ્વાસ ઉભો કરવાના પગલાં લેવાની હાકલ કરવામાં આવી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, બંને દેશો સરહદે શાંતિ જાળવી રાખવાના અને સારું વાતાવરણ ઉભું કરવા પ્રયાસો કરશે.