(એજન્સી) તા.૧૦
રાજ્યોની સ્વતંત્રતા પર હુમલો
બંધારણીય આચાર જૂથ (સીસીજી) એ ઓલ ઈન્ડિયા અને સેન્ટ્રલ સર્વિસીસના પૂર્વ સિવિલ સેવકોનું એક જૂથ છે અને તે બિન-પક્ષપાતી અને બિન-રાજકીય છે. તેના ઘણા સભ્યોએ તેમના સરકારી કાર્યકાળ દરમિયાન સંસદ અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ યોજી, સંચાલિત કરી અને દેખરેખ રાખી હતી.
અમે નોંધ્યું છે કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા જણાવ્યું છે.” મુખ્ય કારણ બતાવામાં આવ્યું છે કે જુદા જુદા સમયે ચૂંટણીઓ યોજવાથી વિકાસના કામો અટકી પડે છે અને વધુ ખર્ચ થાય છે.
એક સાથે ચૂંટણીઓ યોજવી એ એક રાજકીય એજન્ડા છે જેનો હેતુ એકમવાદી લોકશાહી છે, જેમાં કેન્દ્રને ‘રાષ્ટ્રીય’ સાથે જોડવામાં આવે છે અને રાજ્યોને તેના ગૌણ ગણવામાં આવે છે, આ સંઘીયતાના મૂળભૂત સિદ્ધાંત પર એક હુમલો છે.
ભારત રાજ્યોનું એક સંઘ છે અને કેન્દ્ર સરકારની વહીવટી સગવડ અથવા ભારતનું ચૂંટણી પંચ કોઈ રાજ્યની રાજકીય પ્રક્રિયાઓનું નિર્દેશન કરી શકતું નથી. આમ કરવાથી દેશની સંઘીય પ્રકૃતિમાં જે કંઈ બાકી છે તે ખતમ થઈ શકે છે. અમારો મત એ છે કે ચૂંટણી સુધારણા આજના સમયની જરૂરિયાત છે અને નહીં કે “એક રાષ્ટ્ર-એક-ચૂંટણી”નો વિચાર, જેનો અમલ કરવામાં આવશે તો તે આપણા સંઘીય બંધારણ માટે વિનાશક બની રહેશે. જો ભારત સરકાર નિષ્ઠાપૂર્વક ભારતમાં ચૂંટણી પ્રણાલીના સંચાલનમાં સુધારો લાવવા માંગે છે, તો ચૂંટણી પ્રક્રિયાના ઔચિત્ય અને પારદર્શિતામાં સુધારો લાવવા સુધારણા શરૂ કરવા તમામ રાજકીય પક્ષો (અને ભારતના ચૂંટણી પંચની સલાહ સાથે) સાથે મળીને કામ કરવું જોઈએ.
(સૌ. : ધ સિટિઝન.ઈન)