અમદાવાદ, તા.૨૪
ગુજરાતના ૧૯૭૮ની બેચના પૂર્વ આઈપીએસ અધિકારી અબ્દુલ્લાહ આઈ. સૈયદ (એ.આઈ. સૈયદ) મંગળવારે જન્નતનશીન થતા પરિવારજનોમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. તેમના પરિવારને પાક પરવરદિગાર સબ્રે જમીલ અતા કરે. આમીન…
પોલીસ, સરકાર અને ભાજપમાં ઘણા મહત્ત્વના હોદ્દા ઉપર ફરજ નિભાવનારા પૂર્વ આઈપીએસ એ.આઈ. સૈયદનાં મિલનસાર સ્વભાવને લીધે તેમના મોતથી પોલીસ બેડા અને ભાજપમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. જો કે, વર્ષ ૨૦૧૧માં ગુજરાત વકફ બોર્ડના ચેરમેન તરીકે તેમની નિમણૂંક કરાઈ હતી. તેઓ પ્રથમ એવા પોલીસ અધિકારી હતા કે, જેઓ વકફ બોર્ડના ચેરમેન બન્યા હોય. જો કે, તેઓ નિવૃત્ત થયા બાદ ભાજપમાં જોડાઈને કોર્પોરેશનની ચૂંટણી પણ લડ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, પૂર્વ આઈપીએસ એ.આઈ. સૈયદનું કોરોનાના લીધે મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરંતુ આ અંગે સત્તાવાર કોઈ વિગતો બહાર આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં કોમી તોફાનોના સમયમાં આઇપીએસ અધિકારી એઆઇ સૈયદ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કેટલાક દિવસો બાદ આ ઘટનાને યાદ કરતા તેમણે એક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પાટણના સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામમાં એક પણ મંદિર ન હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં રહેતા મુસ્લિમ સમુદાયે હિંદુ સમાજ માટે મંદિરનું બાંધકામ કરાવી આપ્યું હતું ત્યારે હું ઘણો પ્રભાવિત થયો હતો. તેમણે પોતે ૧૯૯૮માં મંદિરનું ઉદઘાટન કરીને ૧૫ ગામોના લોકોને બોલાવ્યા હતા. પરંતુ ૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત પોલીસ એકેડેમીની કારમાં ઘરે જઇ રહ્યા હતા ત્યારે ૫૦૦ જેટલા લોકોના ટોળાએ તેમની કારને ઘેરી લીધી હતી. ત્યારે તેઓ પોલીસ એકેડેમીના જોઇન્ટ ડાયરેક્ટર હતા, કારની ઉપર લાઇટ લાગી હતી, તેમના આઇજીપીની રેન્કને દર્શાવતા બે સ્ટાર હતા અને ભારતનો ઝંડો પણ લાગેલો હતો. તેમ છતાં તેમની કારને રોકવામાં આવી હતી. તેમણે કહ્યું કે, એક દિવસ પહેલા જ ગોધરામાં ટ્રેનની ઘટના બની હતી જેથી લોકો ગુસ્સામાં હોઇ શકે અને વીએચપીએ બંધનું એલાન આપેલું છે. ત્યારે તેમને વિશ્વાસ હતો કે કાંઇ નહીં થાય. હું પોલીસ વર્દીમાં હતો અને હથિયારધારી કમાન્ડો સાથે હતો. ડ્રાઇવરે ટોળાને જોતાં સલાહ આપી કે પાછા વળીને કાર હંકારી દઇએ. ત્યારે એઆઇ સૈયદે કહ્યું કાર આગળ ચલાવો. આ તેમની ભૂલ હતી. ટોળાએ તેમને અધિકારી સમજીને રોકીને કહ્યું કે, જુહાપુરા જતા માર્ગને લોકોએ બંધ કરી દીધો હતો તે ખોલી દેવાયો છે. તેમણે કહ્યું કે, તેઓ આ માટે સ્થાનિક પોલીસ પાસે જઇ શકે છે. ત્યારે ટોળામાંથી એકે તેમના યુનિફોર્મ પર નજર કરીને બૂમ પાડી કે ‘‘આ તો સૈયદ છે’’ આ સાંભળતા જ ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારે ડ્રાઇવરે સ્થિતિને જોતાં કારને હંકારી મુકી હતી.