અમદાવાદ, તા.ર
જમાલપુર- ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ એલિસબ્રિજમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં દારૂના નશામાં ધૂત થઈ અને લેડી ડોક્ટરની છેડતી કરતા ડોક્ટરે તમાચો માર્યો હતો. હોબાળો થતા ભૂષણ ભટ્ટે માફી માંગી ગાડીમાં બેસતા હું એને નહીં છોડું. આવા ખોટા મેસેજ વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભૂષણ ભટ્ટના ધ્યાને આ બાબત આવતા ખોટા મેસેજ વાયરલ કરી બદનામ કરનારા શખ્સ સામે કાર્યવાહી કરવા પોલીસને લેખિત અરજી કરાઈ છે જેતી પોલીસ હરકતમાં આવી છે.
ભૂષણ ભટ્ટે ખાડિયા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેઓને મોબાઇલ પર વોટ્‌સએપમાં મેસેજ મળ્યો હતો કે, એસવીપી હોસ્પિટલમાં લેડી ડૉકટર સાથે અડપલાં કર્યા તો ડૉકટરે તેમને તમાચો મારી જવાબ આપ્યો હતો. જો કે, હોબાળો થતાં તેમણે ડોકટરની માફી માંગી અને ગાડીમાં બેસતા હું નહીં છોડું તેવું બોલ્યા હતા. મીડિયામાં આ વાત જાહેર નહીં કરે. કોરોના પેશન્ટની ખબર કાઢવા જતાં ડોકટરે મને ના પાડતા દારૂ પીધેલી હાલતમાં મેં આવું વર્તન કર્યું હતું. તેવું જાણવા મળ્યું છે.
ભૂષણ ભટ્ટે અરજીમાં કહ્યું હતું કે, હું એસવીપી હોસ્પિટલમાં ગયો જ નથી. મને પણ ખબર છે કોરોના પેશન્ટને મળવા દેતા નથી. આપ એસવીપી હોસ્પિટલમાં તપાસ કરી આ ક્યાં ડોકટર સાથે આવું વર્તન થયું છે અને ખાસ આ વાયરલ થયેલા ફોટોની તપાસ કરવી અને જો હું દોષી હોઉં તો મારી સામે યોગ્ય કાર્યવાહી કરવી વિનંતી છે. જાહેર જીવનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મને બદનામ કરવાનું ષડ્યંત્ર થયું છે. ત્વરીત તપાસ કરાવી જે કોઈ દોષીત હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ મામલે ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે, મને રાજકીય રીતે બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાયરલ કરાયો છે ત્યારે ખોટો મેસેજ વાયરલ કરનારા વિરૂદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશન અને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલમાં અરજી કરી છે જેથી પોલીસ હરકતમાં આવી છે.