પાટણ, તા.૧૧
રાધનપુરમાં રાત્રે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂરગ્રસ્તો સહાય વિના પોકાર કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સહાય નહીં ચૂકવાય તો ઉત્તરાયણ બાદ એક લાખ લોકોને ભેગા કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે દેખાવો કરવા ફરી એકવાર લલકાર કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજી દેસાઈ, બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાધનપુર બેઠક ઉપર મુસ્લિમ મતદારોએ ૯૦ ટકા મતદાન કર્યું અને તેમાંય ૯૮ ટકા મત કોંગ્રેસને આપ્યા છે. હવે નગરપાલિકાની ચૂંટણીમાં પણ સમાજે ભાજપમાં કોઈ મુસ્લિમ ઉમેદવારના આવે તેનું ધ્યાન રાખવા હાંકલ કરી હતી. તેમણે કહ્યું કે, રાધનપુરમાં ભ્રષ્ટ રાજકારણીઓને કારણે શહેરમાં ઠેર-ઠેર ગટરો ઉભરાઈ છે. ગંદકીના ઢગલા છે. લોકોને પાણી સમયસર મળતું નથી પણ મારે રાધનપુર શહેરની રોનક બદલાવી છે. રાધનપુરમાં મીઠુ પાણી અલ્પેશ ઠાકોર લાવશે. નગરપાલિકામાં ઉમેદવારો એવા પસંદ કરજો કે, જીતીને ભાજપમાં જતા ના રહે. નિવૃત્ત પ્રિન્સિપાલ યુસુફખાન પઠાણે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મુસ્લિમ સમાજ વતી શહેરની વિવિધ સમસ્યાઓ અંગે ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે દાઉદી વોરા સમાજ દ્વારા શાલ ઓઢાડીને ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું.