(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
ભારતીય સેનાએ ફરીવાર એવો ઘટસ્ફોટ કર્યો છે કે, ભારત અને ચીનના સૈનિકો ૨૯-૩૦ઓગસ્ટની રાતે ફરીવાર આમને-સામને આવી ગયા હતા. અહીં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ લદ્દાખના પૂર્વ પ્રાંતમાં ઉશ્કેરણીજનક સૈન્ય હલચલ ઊભી કરી હતી. ૨૯-૩૦ ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ચીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી માટે તદ્દન નવો વિસ્તાર પસંદ કર્યો હોવાના અહેવાલ છે. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ભારતે આ વિસ્તારમાં તૈનાતી વધારી દીધી છે. ૧૫મી જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલ હિંસક ઝડપ બાદ ચીન બોર્ડર પર આ બીજી સૌથી મોટી ઘટના છે. ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. ૨૯-૩૦ ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો. ચીને છાનામાન રાત્રિના અંધારામાં ભારતીય સરહદમાં ઘૂસણખોરીની તૈયારી કરી રાખી હતી. ડ્રેગન સેના, ટેન્ક, ૨૦૦ સૈનિકો અને દારૂગોળાની સાથે ભારતીય સરહદમાં દક્ષિણ પેંગોંગ ત્સોના દક્ષિણ કાંઠે ઘૂસવાની કોશિશ કરી રહ્યું હતું. પરંતુ એલએસી પર મુસ્તૈદ ભારતીય જવાનોએ દુશ્મનની સેનાને પાછળ ધકેલી દીધી. ચીની સેના આ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને અહીં તંબૂ તાણવા માટે આવી હતી. જોકે સૂત્રો અનુસાર ચીનના કેટલાક સૈનિકો હજુ પણ આ વિસ્તારમાં અડિંગો જમાવી બેઠા છે.
સરકારે એક નિવેદનમાં કહ્યું કે ૨૯/૩૦ ઑગસ્ટના રોજ રાત્રે ચીની સૈનિકોએ પૂર્વમાં બનેલી સહમતિનું ઉલ્લંઘન કર્યું. ચીની સેના એ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાની ફરી કોશિશ કરી છે. પેંગોંગ ઝીલના દક્ષિણ કિનારા પર ચીની સેના હથિયારોની સાથે આગળ વધી તો ભારતીય સેનાએ માત્ર તેમને રોકયા જ નહીં પરંતુ પાછળ ખદેડી દીધા. અહેવાલો અનુસાર ભારતે ઘર્ષણવાળી જગ્યા પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદની તરફથી આવેલા નિવેદનમાં કહ્યું કે ભારતીય સેના બ્રિગેડિયર કમાન્ડર સ્તરે વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ એટલી જ સંકલ્પબદ્ધ છે. આ દરમિયાન લદ્દાખ-શ્રીનગર હાઇવેને લોકોની અવર જવર માટે બંધ કરાયો છે અને માત્ર સૈનિકોની અવર જવર થશે. છેલ્લાં કેટલાંય સમયથી વાતચીત ચાલી રહી છે છતાંય પૂર્વ લદ્દાથમાં તણાવ ઓછો થઇ રહ્યો નથી. ભારતીય સેનાનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે ચીનને એપ્રિલથી પહેલાવાળી સ્થિતિને પાછી કરવી જોઇએ. સૈન્ય સ્તર પર વાતચીત સિવાય વિદેશ મંત્રાલય અને બંને દેશોના વર્કિંગ મિકેનિઝમ ફોર કંસલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશનની પણ ચર્ચા કરી છે. બંને પક્ષ કંપલીટ ડિસએંગજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયું છે પરંતુ જમીની સ્તર પર તેની અસર થઇ નથી. નૌસેનાએ એક મોટું પગલું ભર્યું છે. દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજ તહેનાત કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નૌકાદળ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. ૨૦૦૯થી ચીન આ ક્ષેત્રમાં લશ્કરી અને કૃત્રિમ ટાપુઓનો ઉપયોગ કરીને નોંધપાત્ર રીતે વિસ્તૃત થયો છે. ચીની નૌસેનાએ દાવો કર્યો છે કે મોટાભાગના દક્ષિણ ચીની સમુદ્ર તેના ક્ષેત્રમાં આવે છે. અમેરિકાની નેવીએ તેના ડિસ્ટ્રોર્સ અને ફ્રિગેટ્‌સ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં ગોઠવી હતી. અહીં તેમના યુદ્ધ જહાજોની જમાવટ દરમિયાન, ભારતીય યુદ્ધ જહાજોએ અમેરિકા સાથે સતત સંપર્કમાં રાખ્યો હતો. ભારત-ચીન સીમા વિવાદ વિશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે તાજેતરમાં જ એક મોટું નિવેદન આપ્યું છે. રાવતે કહ્યું હતું કે, ચીન સાથે વાતચીતથી વિવાદનો ઉકેલ ન આવે તો અમારી પાસે સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો છે. જોકે શાંતિથી સમાધાન નીકળે તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આર્મીથી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ આસ-પાસ અતિક્રમણ રોકવા અને આ પ્રમાણેની પ્રવૃતિઓ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું.