(એજન્સી) તા.૧૪
શિવસેનાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરવામં આવેલું રૂા. ૨૦ લાખ કરોડનું પેકેજ જરૂરી હતું. પરંતુ તેમણે રાજ્યો સાથે કરવામાં આવતી જી.એસ.ટી. વહેંચણી મુદ્દે પર વાત કરવી જોઈતી હતી. શિવસેનાના પ્રવક્તા મનિષા ક્યાંડેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. તેને સહાયમાંથી મોટો હિસ્સો મળવો જોઈએ. શિવસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમણે જી.એસ.ટી.માંથી રાજ્યોના લેવાના બાકી નીકળતા હિસ્સા અંગે પણ વાત કરવી જોઈતી હતી. પી.એમ.કેર ફંડ માહિતી અધિકારના કાયદા હેઠળ ન હોવાથી તેની ટીકા થઈ રહી છે. વડાપ્રધાને આ અંગે પણ કશું બોલવું જોઈતું હતું. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર જેવા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને વધુ હિસ્સો મળવો જોઈએ. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. અમને અપેક્ષા છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ પૈસા આપશે તેમજ રાજ્યને તેનો જી.એસ.ટી.નો હિસ્સો આપશે.