(એજન્સી) નવી દિલ્હી, તા.૧
એનડીએના ભાગીદારોમાંથી ફકત શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ જ ભાજપ ઉપર હુમલો નથી કર્યો પણ હાલની પેટાચૂંટણીઓમાં ભાજપના નબળા દેખાવથી અન્ય સાથી પક્ષોએ પણ વિરોધના સૂરો કાઢયા છે. જેમાં બિહાર પણ બાકાત નથી. બિહારના જેડીયુ જેમણે વર્ષ પહેલાં જ એનડીએ સાથે ફરી ગઠબંધન કર્યું હતું. એમણે ભાજપને જણાવ્યું છે કે, એમની સામે વધી રહેલ અસંતોષને ઉકેલવા પ્રયાસો કરવા જ પડશે. એવા અનેક મુદ્દાઓ ઊભા થયા છે જેના લીધે ભાજપ પ્રત્યે લોકોનો રોષ વધી રહ્યો છે. જેમાં હાલમાં જ પેટ્રોલના ભાવ વધારાથી લોકો ભાજપની ખૂબ જ આકરી ટીકા કરી રહ્યા છે. ભાજપ પોતાના સાથી પક્ષોને મહત્ત્વ આપતું નથી. એમના મનમાં છે કે, સાથી પક્ષો આપણાથી ક્યાં બહાર જવાના છે. જેડીયુના સેક્રેટરી કે.સી.ત્યાગીએ વધુમાં જણાવ્યું કે, એનડીએ મોટું ગઠબંધન છે. અમને આશા છે કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ આ બાબત ધ્યાનમાં રાખશે. દરેક બાબતોમાં હવે એમને પોતાના સાથી પક્ષોથી સલાહો લેવી જોઈએ. ભાજપના અન્ય સાથી પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ કહ્યું ભાજપે મોટા ભાઈની ભૂમિકા ભજવવી બંધ કરવી જોઈએ. બધા સાથી પક્ષોને સમાન ગણી એમને મહત્ત્વ આપવું જોઈએ. હવે એ વાત છુપી રહી નથી કે ભાજપના સાથી પક્ષોને ભાજપ પ્રત્યે નારાજગી છે જેનું મુખ્ય કારણ ભાજપના મોટા ભાઈ જેવું વર્તન છે. પક્ષના નેતા અને મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, અમને આશા છે કે, ભાજપના વડાઓ આ બાબતે ધ્યાન આપશે જેથી પક્ષની તાકાત જળવાઈ રહે. થોડા સમયથી ભાજપના સાથી પક્ષોએ નારાજગી દર્શાવવી શરૂ કરી છે. માર્ચ મહિનામાં ટીડીપી પક્ષ એનડીએથી છૂટો પડી ગયો હતો. શિવસેના તો ભાજપની આલોચના કરવાની એક પણ તક જતી નથી કરતી. ભાજપના સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાએ જણાવ્યું કે, અત્યારે સુધારાત્મક પગલાં લેવાની ખાસ જરૂર છે કારણ કે જો કુટુંબમાં ઝઘડા ચાલુ રહેશે તો સમગ્ર માળખું પડી જશે.