(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી આગામી તારીખ ૩ નવેમ્બરના રોજ યોજાનારી છે. ત્યારે ચૂંટણીના ગરમાયેલા રાજકારણ વચ્ચે કોંગ્રેસે આજે સ્ટીંગ વીડિયો જાહેર કરીને છેલ્લી ઘડીએ બોમ્બ ફોડી તેમના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેના પુરાવા રૂપે સોમા ગાંડાનો વીડિયો રજૂ કરી જણાવ્યું છે કે આ વીડિયોમાં જે પણ નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની સામે એસીબી અને ઈન્કમટેક્ષની તપાસની માંગ કરી મની લોન્ડરીંગનો કેસ પણ દાખલ કરવામાં આવે તેવી માગણી કરી છે. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર સણસણતા આક્ષેપો કરી જણાવ્યું હતું કે ચૂંટણીના ગરમાયેલા રાજકારણ વચ્ચે ભાજપ દ્વારા પૈસા આપીને એમએલએને ખરીદવામાં આવ્યા હતા. એક સ્ટીંગ વીડિયો વાયરલ કરીને ભાજપ સામે એસીબી અને ઈન્કમટેક્ષની તપાસની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલને પ૦ કરોડ અને સોમા પટેલને ૧૦ કરોડમાં ખરીદવામાં આવ્યા હોવાના આક્ષેપ ભાજપ પર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજયમાં ચૂંટણી આવે એટલે ધારાસભ્યોનો ખરીદ વેચાણ ભારતીય જનતા પાર્ટી શરૂ કરે છે. વર્ષ ર૦૧૭માં રાજયસભાની ચૂંટણી આવી ત્યારે અહમદ પટેલ રાજયસભા ઉમેદવાર હતા. કોંગ્રેસની પાસે પ૭ ધારાસભ્ય હતા અને ૧ બેઠક જીતવા માટે ૪૪ મતની જરૂર હતી. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના બીજા ઉમેદવારને ઉભા રાખ્યા અને ધારાસભ્યની ખરીદી કરીને ૧૪ ધારાસભ્યને રાજીનામું અપાવ્યા છતાં અહમદ પટેલ ૪૪ મતે જીતી ગયા. જયારે ડિસેમ્બર ર૦૧૭માં પેટાચૂંટણી આવી ત્યારે પ્રજાએ ચુકાદો આપ્યો કે, ૧૪માંથી માત્ર ર ધારાસભ્યો વિધાનસભામાં પ્રવેશી શકાય બાકીના ઘરે બેઠા. ત્યાર બાદ રાજયસભાની ચૂંટણી સમયે ફરીથી કોંગ્રેસના બે ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરાવીને ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ. આ બંને પેટાચૂંટણીમાં ઘરે બેઠા છે. આ વખતે ર૦ર૦માં રાજયસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના બે સભ્યો રાજસભામાં ચૂંટી શકાત પરંતુ ભાજપે ઉમેદવાર ઉભો રાખ્યો અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદયા જેના કારણે ભાજપના ઉમેદવારનો બે મતથી વિજય થયો. અક્ષય પટેલે જે વાત કરી તેમાં તેમણે પોતે કહ્યું છે કે, પ૦ કરોડમાં તેમને ખરીદવામાં આવ્યા હતા. સોમા પટેલ એમ કબૂલ કરે છે કે, મને ૧૦ કરોડમાં ખરીદયો. આમાં પણ બે પ્રકારના સોદા થયા છે. જેમાં એક ટિકિટ લઈને રોકડા લેવાના અને બીજો રોકડા લઈને નીકળી જવાનું. સોમા પટેલનો સોદો રોકડાનો સોદો હતો. જે પ્રકારે તેમને ટિકિટ નથી આપી તે પ્રકારે એવું દેખાય છે કે, તેમને કોઈ બોર્ડ કોર્પોરેશનમાં સમાવવાની બાંહેધરી આપી હશે. આ સોદાબાજી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ જયાં કોંગ્રેસની બહુમતીવાળી સરકાર આવશે ત્યાં ધારાસભ્યને પૈસા અને કેબિનેટ મંત્રીની લાલચ આપીને લઈ જવામાં આવે છે. ગુજરાતમાં પણ કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો જાય છે. તેમને કોઈને ધારાસભ્ય બનાવે છે તો કોઈને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે છે. ભાજપના જ એક આગેવાને કહ્યું કે અમે ભલે ૭ અને ૮ ટર્મથી ચૂંટાઈને આવ્યા હોય પરંતુ અમને અમારામાંથી કેબિનેટ મંત્રી પદ ન મળે પરંતુ કોંગ્રેસમાંથી આવે એટલે સીધા કેબિનેટ મંત્રી બની જાય અને અમારા રાજયકક્ષાના મંત્રી પણ ન બની શકે. અમારા કાર્યકર્તા ૧પથી ર૦ વર્ષથી મહેનત કરતા હોવા છતાં પણ તેમને ટિકિટ ન મળે અને કોંગ્રેસમાંથી આવે તેને પૈસા પણ મળે અને સાથે ટિકિટ પણ મળે. ભાજપના કાર્યકર્તાઓને માત્ર થાળી વગાડવાની, તાળીઓ વગાડવાની, ખુરશીઓ સાફ કરવાની અને દીવા પ્રગટાવવાના અને છેલ્લે તેમણે ભારત માતા કી જય બોલવાનું. આ વાત મને એક ભાજપના વરિષ્ઠ આગેવાને કહી છે. આ માનસિકતાએ કાર્યકર્તાઓનું સ્તર અને રાજનીતિનું સ્તર એકદમ નીચું કરી દીધું છે. ગુજરાતમાં કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે ત્યારે ઈન્કમટેક્ષ દ્વારા આ પૈસા કયાથી આવ્યા છે તેની તપાસ થવી જોઈએ. આ પૈસા નોટબંધીમાંથી આવ્યા છે કે, પછી સરકારમાં ભ્રષ્ટાચાર થયો ત્યાંથી આવ્યા છે કે, પછી સુરતની અંદર મજૂરોને રેલવેની ટિકિટની કાળાબજારી કરી તેમાંથી આવ્યા છે કે, પછી સુરતમાં શ્રમિકોને લોકડાઉન સમયે ખવડાવેલા ભોજનના રર કરોડ રૂપિયાનું બિલ પાસ કરવામાં આવ્યું છે તેમાંથી આવ્યા છે કે, પછી કયાં ઉદ્યોગ ક્ષેત્ર પાસેથી આવ્યા છે. આ બાબતે તપાસ થવી જોઈએ. ભાજપના પ્રમુખ બનવા માટે એજયુકેશનની કોઈ જરૂર નથી માત્ર તેમના પર કેટલા કેસ છે, કેટલા પૈસા છે અને હમણા નવી લાયકાત આવી છે કે, બુટલેગિંગમાં પણ મદદ કરી છે કે, નહીં.