(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી આગામી સમયમાં યોજાવાની હોઈ તેને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓની સાથે રણનીતિ ઘડવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને મહત્ત્વનું પદ આપી જવાબદારી સોંપતા ભાજપની લોબીમાં સોપો પડી જવા પામ્યો છે. પેટાચૂંટણીમાં મોટાભાગની બેઠકો સૌરાષ્ટ્રની હોઈ અને તેમાં હાર્દિક પટેલ અસરકારક પુરવાર થવાની શક્યતાની સાથે ભાજપ માટે વિરોધાત્મક વાતાવરણને લઈ ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે.
કોંગ્રેસએ સામી ચૂંટણીએ હાર્દિક પટેલનો રમેલો દાવ ભાજપ માટે ઊંઘ હરામ કરનારો બની રહ્યો છે. રાજ્યમાં આગામી સમયમાં આઠ જેટલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાનારી છે અને તેમાં મોટાભાગે સૌરાષ્ટ્રની પાટીદાર બહુમતિવાળી બેઠકો હોવાને લઈ હાર્દિક પટેલ ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ મનાય છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આવનારા પેરાશૂટ ઉમેદવારો ભાજપ મેદાનમાં ઉતારનાર હોવાની વાતે ભાજપના કાર્યકરો-મતદારોની નારાજગી નુકસાન પહોંચાડી શકે તેમ છે. જેને લઈને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે.
રાજ્યમાં પેટાચૂંટણીને લઈને ભાજપના નિરીક્ષકની એક બેઠક કમલમ ખાતે આજે યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ કક્ષાના નિરીક્ષક શંકર ચૌધરી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને સહ સંગઠન મંત્રી ભીખુ દલસાનિયા તથા અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે કયાં પગલાં લેવા તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ભાજપના નિરીક્ષક તમામ બેઠક પર મુલાકાત કરી આવ્યા છે જેનો રિવ્યુ લેવામાં આવ્યો હતો. ભાજપને કેટલીક બેઠક પર સામાજિક નુકસાન છે તો કેટલીક બેઠક પર રાજકીય નુકસાન છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અગાઉ જ હાર્દિક પટેલને સક્રિય કરતા ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. કારણ કે પાટીદાર મતદારો ભાજપથી મોઢું ફેરવી શકે છે, ખાસ સૌરાષ્ટ્રમાં તેની અસર વધારે જોવા મળી શકે છે. ત્યારે આ મુદ્દાને લઈને ભાજપે કઈ વ્યૂહરચના સાથે આગળ ચાલવું તેને લઈને પણ ચર્ચા કરાઈ હતી. તો કાર્યકર્તાઓને કઈ બેઠક પર કયા મુદ્દા લોકો સુધી લઈ જવા તેના માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભાજપ માટે કઈ બેઠક વધારે નુકસાનકારક છે તેની પણ ચર્ચા કરવા સાથે ચૂંટણી માટે ખાસ રણનીતિ ઘડી કાઢવા વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.