(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારા સાથે દેશભરમાં બંનેની કિંમતોમાં ભડકો થયો છે. વૈશ્વક સ્તરે ક્રુડ ઓઈલના ભાવ વધીને ૨૭ નવેમ્બર ૨૦૧૪ થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી ડોલર ૭૪.૭૪ પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે. વિશ્વમાં ક્રુડ ઓઈલ ઉત્પાદન કરતા મધ્ય પૂર્વ એશિયાના અરબ દેશો દ્વારા ૨૭ નવેમ્બર ૨૦૧૪ના દિવસથી પ્રાઇસ વોર શરુ કરવામાં આવી હતી અને જેના કારણે ક્રૂડ ઓઈલના ભાવ ૩૦ ડોલર સુધી પડી ગયા હતા. આ નવા ભાવની અસર દેશના અલગ અલગ શહેરોમાં જુદી જુદી જોવા મળી હતી. જેનો આધાર રાજ્યોના ટેક્સ છે. દરેક રાજ્યની પોતાની જરૂરીયાત મુજબ પેટ્રોલ-ડિઝલ પર અલગ અલગ ટેક્સ લગાવે છે. દેશમાં મુંબઈ સૌથી વધુ રાજ્ય ટેક્સ ધરાવતા શહેરોમાં આવે છે. જ્યાં પેટ્રોલ ૫૫ મહિનાની ઉપલી સપાટી તોડીને પ્રતિ લીટર ૮૧.૯૨ પર પહોંચી ગયું છે. જોકે સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૩માં પેટ્રોલ ભાવ ઓલ ટાઈમ હાઈ એટલે કે પ્રતિ લિટર રૂ.૮૩.૬૨ હતા. જ્યારે ડીઝલના ભાવમાં ઓગસ્ટ ૩૧, ૨૦૧૪નો પ્રતિ લિટર રૂ.૬૨.૨૭ ભાવનો રેકોર્ડ તોડીને પ્રતિ લિટર રૂ.૬૯.૫૦ની સપાટી બનાવી હતી. ભાવ વધારાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. મે ૧૭, ૨૦૧૭ના રોજ શેહરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૬૯.૯ હતો જે વધીને ૧૯ એપ્રિલ ૨૦૧૮ના નવા ભાવ મુજબ પ્રતિ લિટર રૂ.૭૩.૨૫ થઈ ગયો છે. તો ડિઝલના ભાવ મે ૧૭, ૨૦૧૭ મુજબ પ્રતિ લિટર ૬૩.૭૭ હતા જે એક વર્ષમાં વધીને લગભગ ૬ રૂપિયા જેટલા વધીને પ્રતિ લિટર રૂ.૬૯.૯૬ પહોંચી ગયા છે. તે જ રીતે સુરતમાં પેટ્રોલના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. મે ૧૭, ૨૦૧૭ના રોજ શહેરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ.૬૯.૯૧ હતો જે વધીને ૧૯ એપ્રિલ ૨૦૧૮ના નવા ભાવ મુજબ પ્રતિ લિટર રૂ.૭૩.૧૮ થઈ ગયો છે. એક વર્ષ પહેલા ડીઝલના ભાવ મે ૧૭, ૨૦૧૭ મુજબ પ્રતિ લિટર ૬૪.૬૭ હતા જે લગભગ ૬ રૂપિયા જેટલા વધીને પ્રતિ લિટર રૂ.૬૯.૯૨ પહોંચી ગયા છે.